એક તરફ તહેવાર દરમિયાન ફ્લાઈટ અને ટ્રેનોમાં ભીડ વધતી જોવા મળી હતી, તો બીજી તરફ છેલ્લા કેટલાક અઠવાડિયામાં ફ્લાઈટ અને ટ્રેનોમાં સતત બોમ્બની ધમકીઓ મળી રહી છે. ત્યારે આ મામલે મહારાષ્ટ્રમાં નાગપુર પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી છે. આ શકમંદે કબૂલાત કરી છે કે તેણે 354થી વધુ ધમકીભર્યા ઈમેલ મોકલ્યા છે. અહેવાલો અનુસાર, નાગપુર પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી છે તેનું નામ જગદીશ ઉઇકે હોવાનું કહેવાય છે. જગદીશ ઉઇકેની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી છે. નાગપુર પોલીસની સ્પેશિયલ બ્રાન્ચના જણાવ્યાનુસાર, અનેક ઈમેલની તપાસ કર્યા બાદ જ તેની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ તપાસ દરમિયાન નાગપુર પોલીસે તેને પૂછ્યું કે, 'શા માટે ઈમેલ દ્વારા ધમકીઓ આપી રહ્યો છે?' જવાબ આપતા શંકાસ્પદ વ્યક્તિએ કહ્યું કે, 'મારૂ કામ કાયદાની મદદ કરવાનું છે.' નોંધનીય છે કે, જગદીશ ગોંદિયા જિલ્લાના અર્જુની મોરગાંવનો વતની છે. જગદીશ છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં હતો અને પોલીસનો દાવો છે કે ત્યાંથી તેણે ઘણી એરલાઇન્સ અને રેલવે સ્ટેશનોને ધમકીભર્યા મેલ મોકલ્યા હતા. અહેવાલો અનુસાર, આરોપીએ પીએમ ઓફિસ, ઉચ્ચ અધિકારીઓ, ફ્લાઈટ્સ અને ટ્રેનોને ઉડાવી દેવાની ધમકી આપી હતી. શંકાસ્પદ વ્યક્તિએ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં પીએમ અને અન્ય અધિકારીઓને 100થી વધુ ઈમેલ મોકલ્યા છે. નાગપુરના ડીસીપી સાયબર ક્રાઈમ લોહિત મટાનીએ આ મામલે ચોંકાવનારી વાત કહી છે. આરોપીનું કહેવું છે કે તેણે પોલીસ અને સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરવા માટે આ ધમકીઓ મોકલી હતી. જગદીશ ઉઇકે અંગે લોકોનું કહેવું છે કે તે માનસિક રીતે હતાશ છે, તેના પિતાનું નાની ઉંમરમાં જ અવસાન થયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500