NEET UG પરિણામ જાહેર થયા બાદથી વિદ્યાર્થીઓનો NTA સામે ગુસ્સો ભભૂક્યો છે. મેડિકલ વિદ્યાર્થીઓએ પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી NTA પર અનેક સવાલો ઉઠાવ્યા છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે, આ વખતે પરીક્ષામાં કેટલીક ગેરરીતિ જોવા મળી છે. ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે 67 વિદ્યાર્થીઓને ફુલ માર્કસ મળ્યા છે. આ સિવાય એક જ સેન્ટરમાંથી ઘણા ટોપર્સ આવવાથી પણ NEET શંકાના દાયરામાં આવી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા અને રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે. NEET પરીક્ષાને લઈને NTA વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓનો પૂર આવ્યો છે. મેડિકલ વિદ્યાર્થીઓનું આંદોલન શેરીઓથી લઈને સોશિયલ મીડિયા સુધી ચાલુ છે. આજે આ મામલે સુપ્રીમ કોર્ટમાં NEET પરીક્ષાને લઈને સુનાવણી પણ હાથ ધરવામાં આવી.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન નીટની પરીક્ષા રદ કરવા અને કાઉન્સિલિંગ પર રોક લગાવવાની દલીલ ફગાવી દીધી હતી અને નોટિસ ઈશ્યૂ કરીને નેશનલ ટેસ્ટિંગ એજન્સી પાસે જવાબની માગ કરી હતી. હવે આ મામલે આગામી 8 જુલાઈએ સુનાવણી હાથ ધરાશે. મેડિકલ વિદ્યાર્થીઓ માટે NEET પરીક્ષા એક મોટો મુદ્દો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET UG અનિયમિતતાઓને લઈને શનિવારે 8 જૂને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં NEET પરિણામને લઈને ઉદ્ભવતા પ્રશ્નોના જવાબ આપવા NTAના મહાનિર્દેશક સુબોધ કુમારે ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા.
આ પછી, NTA એ NEETની પુનઃપરીક્ષા અંગે કહ્યું કે તમામ વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા લેવામાં આવશે નહીં, જે ઉમેદવારોને ગ્રેસ માર્કસ આપવામાં આવ્યા છે તેમના માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિના રિપોર્ટના આધારે એક સપ્તાહ બાદ નિર્ણય જાહેર કરવામાં આવશે. જસ્ટિસ વિક્રમ નાથ અને અહેસાનુદ્દીન અમાનુલ્લાહની વેકેશનલ બેન્ચે આ મામલે સુનાવણી કરતાં કહ્યું હતું કે અમે આ મામલે નોટિસ ઇશ્યૂ કર છે. પરીક્ષાની મર્યાદા અને પવિત્રતા પર અસર થઇ છે. અમે આ મામલે એનટીએનો પક્ષ પણ જાણવા માંગીએ છીએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500