પાકિસ્તાનમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં 2,000 કરોડ રૂપિયાના કૌભાંડ સાથે સંબંધિત એક કેસની સુનાવણી ચાલી રહી હતી તે સમયે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને આરોપ લગાવ્યો છે કે નજરકેદ દરમિયાન તેમની પત્ની બુશરા બીબીને ટોયલેટ ક્લીનર મિશ્રિત ભોજન આપવામાં આવી રહ્યું છે, તે ખોરાક ખાધા પછી પેટમાં બળતરા થવા લાગી હતી. ઈમરાન ખાને કહ્યું કે શૌકત ખાનુમ હોસ્પિટલના અધિકારી ડો. અસીમ યુસુફે બુશરા બીબીનું સ્વાસ્થ્ય તપાસ શિફા ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં કરાવવાનું સૂચન કર્યું હતું. પરંતુ જેલ પ્રશાસન પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં જ ટેસ્ટ કરાવવા પર મક્કમ છે.
આ પછી કોર્ટે ડૉ.યુસુફને ઈમરાન ખાન અને બુશરા બીબીની મેડિકલ તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય કોર્ટે ઈમરાન ખાનને મીડિયા સાથે વાત કરવાની પણ મનાઈ કરી છે. આના પર ઈમરાને સ્પષ્ટતા કરી કે તે મીડિયા સાથે વાત કરે છે જેથી તેની વિરુદ્ધ ફેલાવવામાં આવતી અફવાઓને દૂર કરી શકાય. આ પહેલા 15 એપ્રિલે બુશરા બીબીએ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પોતાની પસંદગીની ખાનગી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટની મંજૂરી આપવા અપીલ કરી હતી. તે જાણવા માંગતી હતી કે શું જેલ સત્તાવાળાઓ તેને ઝેર મિશ્રિત ખોરાક આપી રહ્યા છે. બુશરા બીબીએ દાવો કર્યો હતો કે છાતીમાં બળતરા ઉપરાંત તેને ગળા અને મોઢામાં દુખાવાની ફરિયાદ હતી.
આ પહેલા 17 એપ્રિલના રોજ ઈમરાને કહ્યું હતું કે "પાકિસ્તાનમાં જંગલરાજ ચાલી રહ્યું છે. દેશમાં જે કંઈ પણ થાય છે, તે આર્મી ચીફ અસીમ મુનીરના કહેવાથી થાય છે. તેણે બુશરાની ધરપકડ પણ કરાવી હતી. જો મારી પત્નીને કંઈ થશે તો, તો મુનીર જવાબદાર હશે." આર્મી ચીફને ધમકી આપતા ખાને કહ્યું હતું કે, "જો મારી પત્નીને કંઈ થશે તો હું તેને છોડીશ નહીં. જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી તેની તમામ ગેરકાયદે અને ગેરબંધારણીય પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરતો રહીશ."
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500