સાબરકાંઠામાં ભીખાજી દુધાજી ડામોર છે કે ઠાકોરનો વિવાદ, વડોદરામાં રંજનબહેન ભટ્ટ સામેનો વિરોધ બાદ હવે બાકી રહી જતુ હતુ તો આણંદમાં સીટિંગ સાંસદ અને ઉમેદવાર મિતેષ પટેલને બદલે બીજા કોઈને ટિકિટ આપવા ભાજપમાં ગણગણાટ શરૂ થયો છે. શુક્રવારે આણંદના સાંસદ મિતેષ પટેલે દિલ્હીની વાટ પકડતા ભાજપમાં જ આંતરવિરોધ બરોબરનો ઉકળ્યાનું ચિત્ર ઉપસ્યું છે. અલબત્ત પ્રદેશના એક પણ નેતાએ આ મુદ્દે ઈન્કાર કે સમર્થન તો દૂર રહ્યુ ઓફ ધ રેકર્ડ કંઈ પણ બોલવાનો ઈન્કાર કરતા ભાજપમાં કઈ હદે વાસણ ખખડી રહ્યા છે તેનો અવાજ હવે સપાટી ઉપર આવ્યો છે.
કહેવાય છે કે, સાબરકાંઠા અને વડોદરામાં ફાટી નિકળેલા જાહેરમાં પોસ્ટર, સોશિયલ મીડિયામાં ચિઠ્ઠી વોરને પગલે શુક્રવારે આણંદના સાંસદ અને ભાજપે જાહેર કરેલા ઉમેદવાર મિતેષ પટેલને પ્રચારકાર્ય પડતો મુકીને દિલ્હી જવું પડયું છે. જેની પાછળ સ્થાનિક સંગઠનમાંથી છેક હાઈકમાન્ડ સમક્ષ ગંભીર પ્રકારની ફરિયાદો કર્યાનું જાણવા મળ્યું છે. ભાજપે બે તબક્કે 26માંથી 22 બેઠકો માટે ઉમેદવારોના નામો જાહેર કર્યા બાદ મહેસાણા, સુરેન્દ્રનગર, અમરેલી અને જૂનાગઢ એમ ચારેય લોકસભા માટે આખરી પસંદગી થઈ શકી નથી. જેની પાછળ બે તબક્કે જાહેર થયેલા 22 ઉમેદવારોમાંથી કેટલાકને બદલવાની અટકળો કારણભૂત હોવાની ચર્ચા છે. આ સંજોગોમાં બાકી રહેલા ચાર મતક્ષેત્રોમાંથી એકાદ બેઠકમાં ભાજપ મહિલાને મેદાને ઉતારશે તેમ કહેવાય છે. આ તરફ બનાસકાંઠા અને વલસાડમાં કોંગ્રેસે જાહેર કરેલા મજબૂત ઉમેદવારોને પગલે ભાજપે મોટા ગજાના આગેવાનાને વિસ્તારમાં મોકલીને ડેમેજ કંટ્રોલ શરૂ કર્યુ છે.
ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા બાદ કુલ 17 લોકસભા મતક્ષેત્રોમાં સામસામે કોણ ચૂંટણી લડી રહ્યું છે તે સ્પષ્ટ થઈ ચૂક્યંુ છે. આ 17માંથી અનુસૂચિત જાતિ- SC રિર્ઝવ કચ્છ અને અમદાવાદ પશ્ચિમ એમ બે ક્ષેત્રો છે. જ્યારે અનુસૂચિત જનજાતિ- ST રિઝર્વ દાહોદ, છોટાઉદેપુર, બારડોલી અને વલસાડ એમ કુલ ચાર મતક્ષેત્રો છે. એથી બાકી રહેલા 11 લોકસભા મતક્ષેત્રોમાં હાલના તબક્કે માત્ર એક જ પોરબંદરમાં જ પાટીદાર સામે પાટીદાર ચૂંટણી લડશે તેમ જણાય છે. જ્યારે બાકીના 10માંથી પાટણ, ખેડા અને પંચમહાલ એમ ત્રણેક ક્ષેત્રોમાં OBC વર્ગના ઠાકોર કે બારિયા ક્ષત્રિય ઉમેદવારો સામસામે ચૂંટણીના મેદાને ઉતરી રહ્યા છે. ભાજપે ST, SC અનામત બેઠકોને બાદ કરતા 16 મતક્ષેત્રોમાં સૌથી વધુ ચાર પાટીદારોને ટિકિટ આપી છે. જેમાં પોરબંદર, રાજકોટ, આણંદ અને અમદાવાદ પૂર્વ લોકસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે.
આ ચારેય સીટિંગ સાંસદ છે ! ST રિર્ઝવ બેઠક સિવાયના ક્ષેત્રોમાં ભાજપે ભરૂચથી મનસુખ વસાવા અને કોંગ્રેસે સાબરકાંઠામાં ડો.તુષાર ચૌધરીને ટિકિટ આપી છે. તદ્ઉપરાંત ભાજપે OBC સમુહમાંથી બનાસકાંઠામાં ચૌધરી, જામનગરમાં આહિર, સુરતમાં મોઢવણિકને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. કોંગ્રેસમાં ચાલતી ચર્ચા મુજબ ચાર ઠાકોર ક્ષત્રિયને જાહેર કર્યા બાદ હજી એકાદ બેઠક ઉપર પણ એ જ સમાજમાંથી આવતા નેતાને ઉમેદવાર તરીકે ઉતારશે. ભાજપે ગાંધીનગર અને વડોદરામાં અનુક્રમે વણિક અને બ્રાહ્મણ સમાજમાંથી આવતા સાંસદોને રીપિટ કર્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500