ઐતિહાસિક સાયન કિલ્લા પર 50 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ ફરકતો કરવાનું નિયોજન પુરાતત્વ વિભાગ કરી રહ્યું છે. તેમના પ્રસ્તાવને પરવાનગી પણ મળી ગઈ છે. મુંબઈમાં રહેલાં કિલ્લાઓ પરનો આ સૌથી મોટો રાષ્ટ્રધ્વજ હશે. આ બાબતે છેલ્લાં ઘણા સમયથી અધિકારીઓ અને નાગરિકો દ્વારા માગણી થઈ રહી હતી. જેને હવે મંજૂરી મળી ગઈ છે. સાયન કિલ્લો ભારતીય પુરાતત્વ વિભાગના અંતર્ગત છે. મુંબઈનો આ સૌથી ઊંચો કિલ્લો હોઈ તેની સમુદ્ર સપાટીથી ઊંચાઈ 160 ફૂટની છે.
કિલ્લા પરના પંડિત જવાહરલાલ નહેરુ ઉદ્યાનમાં નવો ઝંડો પ્રસ્થાપિત કરાશે. અત્યારે આ ગાર્ડનમાં 30 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ છે. નવા ધ્વજનો થાંભલો 50 ફૂટ (15 મીટર) ઊંચો હશે. તેના પરના રાષ્ટ્રધ્વજની લંબાઈ 12 તેમજ પહોળાઈ 8 ફૂટની રહેશે. આ ધ્વજ 365 દિવસ ફરકતો રહેશે.
ઝંડાના થાંભલા માટે વિશેષ લાઈટ્સની પણ વ્યવસ્થા કરાશે. આ પરિસરમાં ચાર ફોકસ પણ લગાડવામાં આવશે. ઝંડો ઊભો કરવા અહીં મજબૂત ચબૂતરો બનાવાશે. તે માટે જમીનમાં આઠ બાય આઠ પહોળો અને છ ફૂટ ઊંડો ખાડો ખોદવો પડશે. ટૂંક સમયમાં અહીં ભવ્ય તિરંગો ફરકતો જોઈ શકાશે, એવી માહિતી પુરાતત્વ વિભાગના અધિકારીએ આપી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500