મુંબઇમાં કચરો ઠાલવવાનાં મેદાનો (લેન્ડફિલ્સ)માંથી ફેલાતા પ્લાસ્ટિકનાં પ્રદૂષણનું પ્રમાણ આખા ભારતમાં સૌથી વધુ છે સાથોસાથ આ પ્રમાણ ગંભીર સ્વરૂપનું છે. ભારતનાં કુલ 496 શહેરોમાં થયેલા વ્યાપક અભ્યાસ દ્વારા આવી ચિંતાજનક માહિતી મળે છે. મુંબઇમાં દેવનાર, કાંજુર માર્ગ, મુલુંડમાં કચરો ઠાલવવાનાં મેદાનો છે. આ અભ્યાસ ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી(આઇ.આઇ.ટી.-ખડગપુર) દ્વારા થયો છે. રિસ્ક ઓફ પ્લાસ્ટિકસ લોસીસ ટુ ધ એનવાયર્નમેન્ટ ફ્રોમ ઇન્ડિયા લેન્ડફિલ્સ વિષય સાથેના આ અભ્યાસની વિગતો થોડા સમય પહેલાં પ્રસિદ્ધ થઇ છે. આ અભ્યાસમાં ભારતનાં મોટાં શહેરોને આવરી લેવાયાં છે.
આ અભ્યાસની વિગતો દ્વારા એમ પણ જાણવા મળે છે કે પવન, વરસાદ અને પૂર વગેરે પરિબળોને કારણે પ્રદૂષણની માત્રા ઘણી વધે છે. પરિણામે મુંબઇમાં કચરો ઠાલવવાનાં મેદાનોમાંથી પ્રદૂષિત પદાર્થો પ્રવાહ સાથે વહી જાય છે. ચિંતાજનક બાબત તો એ છે કે, મુંબઇનાં દેવદાર, કાંજુર માર્ગ, મુલુંડમાંનાં કચરો ઠાલવવાનાં મેદાન સમુદ્ર નજીક છે. જોકે આ અભ્યાસમાં ભારતનાં 496 શહેરોને કુલ 6 જોખમી શ્રેણીમાં મૂકાયાં છે. જેમાં વેરી લો ટુ લો, મોડરેટ, હાઇ, વેરી હાઇ, સિવિયર વગેરેનો સમાવેશ થાય છે. સિવિયર શ્રેણીમાં મુંબઇ, કોલકાતા, ચેન્નાઇ વગેરે દરિયા કિનારાનાં મહાનગરોનો સમાવેશ થાય છે.
ઉપરાંત, દિલ્હી સહિત અન્ય શહેરોમાં પ્લાસ્ટિકનો કચરો ભેગો થાય છે તેવાં શહેરોનો પણ સમાવેશ થયો છે. ઉપરાંત, ચાર શહેરોનો સમાવેશ વેરી હાઇ શ્રેણીમાં થાય છે જેમાં મુંબઇ મહાનગરનો સમાવેશ થાય છે. મુંબઇમાં તીવ્ર પવન વરસાદી પાણી જમા થઇ જવું, સમુદ્ર નજીકનાં કળણવાળાં સ્થળો, માનવી અને પ્રાણીઓ દ્વારા પેદા થતો કચરો વગેરે પરિબળો છે. ઉપરાંત, મુંબઇ વસતિથી ફાટફાટ થતું મહાનગર હોવાથી પ્લાસ્ટિકનો ઉપયોગ પણ મોટાપાયે થાય છે. પ્લાસ્ટિકની વસ્તુઓ નકામી બની જાય ત્યારે તેને નજીકની દરિયાઇ ખાડીમાં અને સમુદ્ર કિનારા પર ફેંકી દેવાય છે.
ચિંતાજનક બાબત તો એ છે કે, દરિયામાં ફેંકેલી પ્લાસ્ટિકની વસ્તુઓના સુક્ષ્મ હિસ્સા જળચરોનાં શરીરમાં જાય છે. મુંબઇનાં ઘણાં લોકો માછલીનો આહાર કરતાં હોવાથી પેલા માઇક્રો પ્લાસ્ટિકના અંશ આહાર દ્વારા તેમનાં પેટમાં પહોંચી જાય છે. જયારે મુંબઇમાં કોરોનાની મહામારીનાં લોકડાઉન દરમિયાન પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓનો બહોળો ઉપયોગ થયો હતો. ઉદાહરણરૂપે પીપીઇ કીટ્સ, ઉપયોગ બાદ ફેંકી દઇ શકાય તેવી વસ્તુઓ અને અનાજ ફળનાં પેકિંગ્ઝ વગેરેનો ઘણો ઉપયોગ થયો હતો. પ્લોસ્ટિકની આ બધી વસ્તુઓનો કચરો પણ થયો વધ્યો હતો.
ITI ખડગપુરનાં પ્રોફેસર અને આ મહત્વના અભ્યાસનું નેતૃત્વ કરનારા વિજય યાદવે એવી માહિતી આપી હતી કે, યુનાઇટેડ નેશન્સ એનવાયર્નમેન્ટ પ્રોગ્રામ-2018નાં આધારે આ અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં તો પ્લોસ્ટિકનો સૌથી વધુ ઉપયોગ કરનારા વિસ્તાર તરીકે આખા દક્ષિણ અને પૂર્વ એશિયા સહિત ભારત અને ચીનનો પણ સમાવેશ થાય છે. એક વ્યાપક અભ્યાસ દ્વારા એમ પણ જાણવા મળે છે કે, ભારત દરરોજ 25 લાખ પીપીઇ કીટ્સનો કચરો, તબીબી ઉપકરણોનો 101 ટન તથા તબીબી પરીક્ષણમાં ઉપયોગમાં લેવાતાં સાધનોનો કચરો 14.5 ટન્સ પર ડે પેદા કરે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500