મુંબઇમાં ગોરાઈ બીચ સુધી રોપ-વે શરૂ કરવાના વર્ષો પહેલાંનો પ્રોજેક્ટ શરૂ થવાનાં તાદ પર છે. ૫૦૦ કરોડનાં ખર્ચે મહાવીરનગરથી ગોરાઈ બીચના રોપવે માટે ચાર કંપનીઓએ રસ દાખવ્યો છે. આ રોપ-વે તૈયાર થયા બાદ મેટ્રો લાઈનમાંથી ઉતરી લોકો સીધા પેગોડા અને ગોરાઈ બીચ સુધી જઈ શકશે. મુંબઈનો આ પહેલો રોપ-વે હશે. એમ.એમ.આર.ડી.એ.નાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, રોપ-વેનાં સવિસ્તારમાં પ્રોજેક્ટ રિપોર્ટ (ડી.પી.આર) તૈયાર કરવા માટે ટેક્નીકલ બીડ જારી કરી છે. એમાં ચાર વિદેશી કંપનીએ રોપવેના ડી.પી.આર. માટે રૂચિ બતાવી છે. ટેન્ડર પ્રક્રિયા થકી ઝડપથી ડી.પી.આર બનાવવા માટે કંપનીની પસંદગી કરી શકાશે.
લગભગ પાંચ વર્ષ પહેલા એમ.એમ.આર.ડી.એ. ડિઝાઇન, ફાઇનાન્સ, બિલ્ડ ઓપરેટ એન્ડ ટ્રાન્સફરના (ડી.એફ.બી.ઓ.ટી.) પર રોપ-વે તૈયાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અન્ય પ્રોજેક્ટને પ્રાથમિક્તા અપાતાં આ રોપ-વેને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેવાયો હતો. હવે મેટ્રો-૨એને લીધે રોપવે બનાવવાની પ્રક્રિયાને ફરી શરૂ કરી છે. રોપ-વે દહિસરથી ડી.એન નગર વચ્ચે દોડતી મેટ્રો-૨એ કોરિડોરથી મહાવીર નગર પાસે કનેક્ટ કરાશે. રોપ-વે માટે મોટી જગ્યાની આવશ્યક્તા નથી.
ઓછી જગ્યામાં પિલર ઉભા કરીને રોપ-વેની સેવા શરૂ કરી શકાય છે. આ રોપ-વે ૭.૮ કિ.મી. લાંબો હશે. આ માર્ગ લગભગ આઠ સ્ટેશન હશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં મહાવીરનગરથી પગોડા, માર્વે અને ગોરાઇ ગાંવ તરફ જનારાને સુવિધા મળશે. રોપ-વે થકી બે મિનિટમાં એક કિ.મી.નું અંતર કપાય છે. એમ.એમ.આર.ડી.એ પૂર્વ ઉપનગર અને પશ્ચિમ ઉપનગરને જોડવા માટે રોપ-વે પરિયોજના તૈયાર કરી છે.
આના થકી સરળતાથી માર્વે, બોરીવલી રેલવે સ્ટેશન, મેટ્રો-૨એ અને ગોરાઇ જેટ્ટી સુધી પહોંચી શકાશે. મુંબઇમાં વધતી ટ્રાફિકની સમસ્યા હળવી થઇ શકશે. હાલમાં ગોરાઇ પહોંચવા બોરીવલી સ્ટેશનથી બસ અથવા અન્ય સાધન થકી ગોરાઇ ખાડી પહોંચવું પડે છે. અને ત્યાંથી બોટમાં બેસીને ખાડી પાર કરવી પડે છે. અને ત્યાંથી ગોરાઇ બીચ જવા રિક્ષા કરવી પડે છે. આથી લગભગ દોઢ કલાકનો સમય વીતી જાય છે. જો રોપ-વે શરૂ થાય તો દોઢ કલાકની મુસાફરી 40 મિનિટમાં પૂર્ણ થઇ શકશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500