Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઇની હવાની ગુણવત્તાનો આંક ચિંતાજનક : વાતાવરણમાં ધૂળનાં ગોટેગોટા ઉડતા રેડ એલર્ટ

  • December 07, 2022 

મુંબઇની ચારેય દિશા અતિશય ધૂંધળી બની ગઇ હતી અને વાતાવરણમાં જાણે કે ધૂળનાં ગોટેગોટા ઉડતા હોય તેવો માહોલ સર્જાયો હતો. મુંબઇની હવાની ગુણવત્તાનો આંક ખરેખર ચિંતાજનક કહી શકાય તેટલો 309 નોંધાયો હતો. આટલો આંક અતિ ખરાબ શ્રેણીમાં આવે છે સાથોસાથ હવાની ગુણવત્તા આટલી બધી ખરાબ રહેતી હોવાથી મુંબઇગરાંના આરોગ્ય સામે પણ રેડ સિગ્નલ કહેવાય. મુંબઇનાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ(બીકેસી), મઝગાંવ, ચેમ્બુર, કોલાબા એમ ચાર પરાં વિસ્તારની હવાની ગુણવત્તાનો આંક અતિ ખરાબની શ્રેણીમાં નોંધાયો હતો. જે રેડ સિગ્નલની ચેતવણી કહેવાય છે. આજે ભારતનાં પાટનગર દિલ્હીની હવાની ગુણવત્તાનો આંક 319 નોંધાયો હતો. જ્યારે પુણેની હવાની ગુણવત્તનો આંક 193 નોંધાયો હતો, જે મધ્યમ શ્રેણીમાં આવે છે.



આ માહિતી સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ(સફર)નાં સૂત્રોએ આપી હતી. મુંબઇની હવાની ગુણવત્તા હજી આવતા બે-ત્રણ દિવસ સુધી ખરાબ રહે તેવી પણ શક્યતા છે. મુંબઇની હવાની ગુણવત્તા આમ તો 2023ના ફેબુ્રઆરી સુધી અવારનવાર ખરાબ રહે તેવી પણ સંભાવના છે. સફરનાં ડાયરેક્ટર ડો.ગુફ્રાન બેગે પુણેથી ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે, છેલ્લા થોડા દિવસથી મુંબઇની હવાની ગુણવત્તા ખરાબ થઇ રહી હોવાનાં કારણો અમુક અંશે સ્થાનિક અને કેટલાક અંશે  કુદરતી છે. ઉદાહરણરૂપે હાલ મુંબઇમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું બાંધકામ થઇ રહ્યું છે.



જોકે બાંધકામને કારણે વાતાવરણમાં સિમેન્ટ, ઇંટ સહિત અન્ય પદાર્થોનાં અતિ સુક્ષ્મ રજકણો ઉડતાં રહે વળી હાલ શિયાળો હોવાથી વહેલી સવારે ઠંડુ વાતાવરણ રહે જેથી છેલ્લા ઘણા દિવસથી મુંબઇમાં પવનની ગતિ પણ પ્રમાણમાં ઘણી મંદ રહે છે. ઠંડા વાતાવરણને કારણે પ્રદૂષણનાં સુક્ષ્મ રજકણો એકબીજાં સાથે જોડાઇ જાય. પરિણામે તે રજકણોનું વજન વધે. વળી, પવન મંદ હોવાથી પ્રદૂષણનાં તે વજનદાર રજકણો વાતાવરણના નીચેના પટ્ટામાં તરતાં રહે છે આમ પવનની ગતિ વધુ હોય તો પ્રદૂષિત રજકણો દૂર દૂર સુધી ફેંકાઇ જાય અને હવા ચોખ્ખી રહે.




ઉપરાંત હાલ મુંબઇમાં અમુક અંશે સ્મોગ (પ્રદૂષણનો ધુમાડો) અને ધુમ્મસની અસર પણ છે એટલે કે શિયાળામાં સમુદ્ર કિનારા નજીક સર્જાતા ધુમ્મસમાં પ્રદૂષણનાં રજકણો ભળી જવાથી સ્મોગની પરિસ્થિતિ સર્જાય જે ચિંતાજનક કહેવાય. સ્મોગની અસરથી આંખોમાં બળતરા, કફ, ઉધરસ, અસ્થમાનાં દરદીઓને શ્વાસ લેવામાં તકલીફ વગેરે જેવી સમસ્યા પણ સર્જાય. ડો.ગુફ્રોન બેગે એવી માહિતી પણ આપી હતી છેલ્લા બે દિવસથી મુંબઇની હવાની ગુણવત્તા ખરાબ રહેતી હોવાથી દ્રષ્ટિક્ષમતા પણ નબળી રહી હતી. દૂરનાં દ્રશ્યો સ્પષ્ટ જોઇ શકાતાં નહોતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application