મહારાષ્ટ્રનાં દક્ષિણ કોંકણનાં રત્નાગિરી અને સિંધુદુર્ગ તથા મધ્ય મહારાષ્ટ્રનાં કોલ્હાપુરમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. મુંબઈમાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે દિવસભર ગાઢ વાદળો છવાયેલાં રહ્યાં હતાં. હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર (મુંબઇ કેન્દ્ર) એવી માહિતી આપી હતી કે, નૈઋત્યનું ચોમાસુ કોંકણ-ગોવા, મધ્યમહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિસક્રિય થયું છે. હાલ મહારાષ્ટ્રથી કર્ણાટકનાં દરિયા કિનારા સુધી ઓફ્ફ શોર ટ્રફ (હવાના હળવા દબાણનો પટ્ટો) સર્જાયો છે.
તદ્દઉપરાંત બંગાળનાં ઉપસાગરનાં પશ્ચિમ-મધ્ય હિસ્સામાં હવાના હળવા દબાણનું કેન્દ્ર (લો-પ્રેશર) સર્જાયું છે. આ લો પ્રેશરની અસર તબક્કાવાર ઓડીશા અને નજીકનાં આંધ્ર પ્રદેશનાં સમુદ્રમાં પણ થઇ રહી છે. સાથોસાથ આકાશમાં 7.6 કિલોમીટરનાં અંતરે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પણ વરતાઇ રહી છે. હવે આવતા 24 કલાકમાં આ પરિબળો ડીપ્રેશનમાં ફેરવાઇ જાય અને ઓડીશા તથા છત્તીસગઢ થઇને પશ્ચિમ-ઉત્તર દિશા ભણી સરકે તેવી શક્યતા છે.
મુંબઈ શહેર ઉપરાંત રાયગઢ, કોંકણ, પાલઘર ઉપરાંત મધ્યમહારાષ્ટ્રનાં નાશિક, પુણે, કોલ્હાપુર, સાતારા વગેરે ઘાટ પ્રદેશમાં પણ આ જ દિવસો દરમિયાન મુશળધાર વરસાદ વરસે તેવાં પરિબળો છે. ઉપરાંત, મરાઠવાડાનાં નાંદેડ, હિંગોળી, પરભણી, ઔરંગાબાદ, લાતુરમાં તથા વિદર્ભનાં અકોલા, અમરાવતી, ભંડારા, ચંદ્રપુર, ગઢચિરોળી, બુલઢાણા, ગોંદિયા વગેરેમાં પણ ગાજવીજ સાથે ભારે તોફાની વરસાદી માહોલ સર્જાય તેવી સંભાવના છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500