મુંબઇ-દિલ્હીની રેલ મુસાફરી માટે રાજધાની એક્સપ્રેસ જેવી ગતિશીલ ટ્રેનમાં 16 કલાકનો સમય થાય છે. પરંતુ ટૂંક સમયમાં આ સફર માટે દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વેનું નિર્માણ થઇ રહ્યું હોવાથી આ સફરને માત્ર 12 કલાકમાં જ પૂરી કરી શકાશે. આ એક્સપ્રેસ-વે બંને રાજધાનીઓ વચ્ચેના અંતરને લગભગ 24 કલાકથી ઘટાડીને 12-13 કલાક કરી દેશે. જેથી બંને મહાનગરો વચ્ચે ભૂમાર્ગ 130 કિમી જેટલો ઘટી શકશે. ઉપરાંત આ એક્સપ્રેસ-વે પર 120 કિમી પ્રતિ કલાકની ઝડપથી વાહનો દોડાવી શકાશે. હાલ એક્સપ્રેસ-વે પર 8 લેન છે.
પરંતુ ભવિષ્યમાં અન્ય ચાર લેનનો સમાવેશ કરાશે. જેમાં એક લેન ખાસ ઇલેકટ્રીક વાહનો માટે રખાશે. આ હાઇ-વેને સંપૂર્ણ રીતે એલિવેટેડ બનાવાઇ રહ્યો છે. માર્ગ પર 500 મીટર પર CCTV કેમેરા પણ ગોઠવાશે. હાઇવે પર ક્યાય સ્પીડ બ્રેકર્સ હશે નહીં તેમજ જનાવરોના પ્રવેશને રોકવા ખાસ આયોજન કરાશે. 2024નાં અંત સુધીમાં આ એક્સપ્રેસ-વેનું કામ પૂરૂ થઇ જશે. હાઇ-વે પર પ્રવેશ કરતી વખતે નહીં પરંતુ નીકળતી વખતે ટોલ હશે. એટલે જ કે જેટલા કિ.મી. હાઇવે પર પ્રવાસ કરશો તેટલો જ ટોલ ભરવાનો રહેશે.
વિશેષ જણાવાઇ રહ્યું છે કે, દિલ્હી-વડોદરા એક્સપ્રેસ-વે પર લઘુત્તમ ટોલ 0.65 પૈસા પ્રતિ કિમી રહેશે. જે દેશના અન્ય માર્ગોની તુલનામાં સૌથી ઓછો છે. એનએચએઆઇ અનુસાર ગુજરાતના દાહોદ જિલ્લાના ભાગને છોડતાં દિલ્હી-વડોદરા સુધીનો ભાગ ડિસેમ્બર સુધી પૂર્ણ થશે. વડોદરાથી આગળ ગુજરાતમાં પણ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રૂપિયા 98,233 કરોડનાં ખર્ચ સાથે દિલ્હી-મુંબઇ 8 લેન ગ્રીનફીલ્ડ એક્સપ્રેસ-વેનું કાર્ય 8 માર્ચ 2019થી શરૂ કરવામાં આવ્યું હતું જેને માર્ચ 2023 સુધી પૂરું કરવાનું લક્ષ્ય હતું પરંતુ જણાવાઇ રહ્યું છે કે, મુંબઇમાં જવાહરલાલ નહેરું પોર્ટ ટ્રસ્ટ (જેએનપીટી) સુધી તેના નિર્માણમાં હજી સમય લાગી શકે છે.
ગુજરાતના આદિવાસી વિસ્તાર દાહોદમાં પ્રોજેક્ટનો મામલો કોર્ટમાં જવાથી તેમ જ મહારાષ્ટ્રમાં પણ સમયસર રાજ્ય સરકારની એનઓસી ન મળવાને લીધે યોજનામાં વિલંબ થયો છે. જોકે આ એક્સપ્રેસ વે 6 રાજ્યમાંથી પસાર થશે જેમાં મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ-વે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે. આને સીધે જયપુર, કિશનગઢ, અજમેર, ફોટા, ચિત્તોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ, વડોદરા, સુરત, વિરાર અને મુંબઇની કનેકટીવિટી વધશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500