સોશિયલ મિડિયા અને ઇ-મેલની મદદથી નોકરી વાંચ્છુઓને USમાં નોકરીની લાલચ આપી ઠગતા ચાર વિદેશી નાગરિકોની મુંબઈ પોલીસની સાયબર ક્રાઇમ બ્રાન્ચે પુણેથી ધરપકડ કરી હતી. પકડાયેલાઓમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ ટોળકીનાં લોકો પોતે US એમ્બેસીમાં કામ કરતા હોવાનું જુઠ્ઠાણું ચલાવી નોકરી વાંચ્છુઓ સાથે છેતરપિંડી આચરતા હતા. પકડાયેલા બે પુરુષો અનુક્રમે ઝાંથિવા અને ઘાનાના નાગરિક છે જ્યારે મહિલાઓ યુગાન્ડા અને નામિબિયાની નાગરિક છે.
બનાવ અંગે પોલીસે એક પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, પશ્ચિમની પરાંમાં રહેતી એક તરુણીને યુએસ એમ્બેસીના નામે એક ઇ-મેલ આવ્યો હતો. આ ઇ-મેલ US એમ્બેસીમાં કામ કરતી વ્યક્તિએ મોકલ્યો છે તેવો ભાસ ઊભો કરી અમેરિકામાં નોકરી અપાવવાનું પ્રલોભન આવ્યું હતું. આ તરુણીને ત્યાર બાદ અલગ-અલગ કારણો આપી તેના પાસેથી 26 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ પૈસા ચૂકવ્યા બાદ પણ નોકરી ન મળતા તરુણીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. પોલીસને આ બાબતની ફરિયાદ મળ્યા બાદ ટેક્નિકલ પુરાવાઓને આધારે આરોપીઓ પુણેમાં ઓળખાણ છુપાવીને રહેતા હોવાનું શોધી કાઢ્યું હતું.
ત્યારબાદ પોલીસે પુણેના સાંગલી, પિંપરી, ચિંચવડ અને લોણી કામભોર વિસ્તારમાંથી આ ચારેય વિદેશી ઠગોને ઝડપી લીધા હતા. આ ચારેયમાંથી બે જણ એજ્યુકેશન માટેના વિઝા જ્યારે એકજણ તબીબી વિઝા લઈ આવ્યા હતા. આ સિવાય એક જણના તો વિઝા પણ એક્સપાયર થઈ ગયા હતા. પોલીસે આ લોકો પાસેથી 13 મોબાઇલ, 4 લેપટોપ, પાસપોર્ટ, 3 ઇન્ટરનેટ રાઉટર અને અન્ય સાહિત્ય જપ્ત કર્યું હતું. આ લોકો પાસેથી ત્રણ હજાર ભારતીયોના ડેટા પણ મળી આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500