ફરિયાદો લઇને આવતા લોકોના કેસમાં એફઆઇઆર ન લેનાર પોલીસ અધિકારીઓ સામે એફઆઇઆર નોંધાઇ શકે છે એવા મતલબનો એક આદેશ મુંબઇના પોલીસ કમિશનર સંજય પાંડેએ ગયા મહીને બહાર પાડયો હતો. શહેરમાં એવા ઘણાં દાખલા બન્યા છે જેમાં પોલીસ ઓફિસરે ફરિયાદીની એફઆઇઆર ન નોંધી હોય પોલીસ અધિકારીઓ પોતાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં ઓછા ગુના નોંધાય એ માટે એફઆઇઆર નોંધવાનું ટાળતા હોય છે.
એક ઉચ્ચ પોલીસ ઓફિસરે અનામ રહેવાની શરતે કહ્યું હતું કે, એફઆઇઆર ન નોંધનાર પોલીસ અધિકારીઓ સામે ઇન્ડિયન પિનલ કોડ (આઇપીસી)ની કલમ ૧૬૬ સી હેઠળ એફઆઇઆર નોંધી શકાય છે. આ કલમમાં દોષી અધિકારીને છ મહીનાથી બે વર્ષની સજા કરવાની પણ જોગવાઇ છે. પોલીસ અધિકારીના જણાવવા મુજબ પોલીસ કમિશનર પાંડેએ મુંબઇના નાગરિકો સાથે પોતાનો મોબાઇલ નંબર શેયર કર્યા બાદ એમને પોલીસો એફઆઇઆર ન નોંધતા હોવાની ઘણી ફરિયાદો મળવા લાગી હતી એને પગલે કમિશનરે ઉક્ત આદેશ બહાર પાડયો હતો, જેથી લોકોને એફઆઇઆર નોંધાવવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ન ખાવા પડે.
પાંડેએ હોદ્દો સંભાળ્યા પછી પહેલા કરતા વધુ એફઆઇઆર નોંધાઇ છે. મોટા ભાગના કેસો સાયબર ગુનાઓને લગતા હોય છે સાયબર ક્રાઇમમાં ડિટેકશન રેટ બહુ ઓછો હોય છે, જેને કારણે સંબંધિત અધિકારીનો ડિટેકશન રેટ નીચે આવવાની શક્યતા રહે છે. એટલે આવા કેસમાં પોલીસ એફઆઇઆર નોંધવાનું નિવારે છે. પરંતુ છેલ્લા થોડા મહીનાથી પરિસ્થિતિ સુધરી છે. ફરિયાદીએ જેમાં મોટી રકમ ન ગુમાવી હોય એવા સાયબર ક્રાઇમના કેસોમાં પણ પોલીસે એફઆઇઆર નોંધી છે. એવી માહિતી તેમણે વધુમાં આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500