મુંબઈની દુકાનો પર નામના મરાઠી પાટિયા લગાડવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ અનેકવાર મુદ્દતવધારો આપ્યા બાદ પણ દુકાનદારો તે તરફ દુર્લક્ષ કરી રહ્યાં છે. પરિણામે હવે ગત સોમવારથી આવી દુકાનો સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. તે અંતર્ગત પાલિકાએ પહેલેજ દિવસે 522 દુકાનદારોને નોટિસ મોકલી છે. પ્રાપ્ત માહિતીનુસાર, પાલિકાની ટીમે પહેલાં જ દિવસે મુંબઈનાં વિવિધ વિસ્તારોમાં આશરે 2158 સ્થળે તપાસ હાથ ધરી હતી.
જોકે નિયમાનુસાર, 1632 દુકાનો પર મરાઠી સાઈનબોર્ડ દેખાયા પરંતુ લગભગ 25 ટકા જેટલી દુકાનોમાં નામના પાટિયા મરાઠીમાં નહોતાં. આથી હાલ તેમને નોટિસ ફટકારવામાં આવી છે. જો આગામી સાત દિવસમાં તેઓ મરાઠીમાં બોર્ડ નહીં લગાવે તો આ દુકાનદારોને કાર્યવાહીનો સામનો કરવો પડશે. વધુમાં દુકાનદારે દુકાનમાં કામ કરતાં પ્રત્યેક માણસ દીઠ બે હજાર રુપિયાનો દંડ ભરવો પડશે.
આથી દુકાનદારોએ વહેલામાં વહેલી તકે હવે મરાઠીમાં નેમ પ્લેટ લગાડી લેવી, એવું આવાહન પાલિકાએ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય કે, જાન્યુઆરી 2022માં સરકારે રાજ્યની તમામ દુકાનો પર મરાઠી સાઈનબોર્ડ લગાડવા ફરજિયાત કર્યું છે. ત્યારબાદ આ બાબતે આદેશ પણ જાહેર કરાયો છે. જોવાનું તો એ છે કે, મરાઠી સાઈનબોર્ડ ફરજિયાત કરતી વખતે પાલિકાએ 30 જૂનની મુદ્દત આપી હતી. ત્યારબાદ વેપારીઓ સંગઠનોની વિનંતી પર તેને 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ હતી. પરંતુ હજીયે અનેક દુકાનોમાં મરાઠી નેમપ્લેટ લાગી નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500