સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ઉમરપાડા વધુ પ્રભાવિત થયું હોય તેમ ૨૪ કલાકમાં ૮ ઇંચ વરસાદ ખાબકતા ડેમ નદીઓ ઉભરાઈ છે. જ્યારે મહુવા તાલુકામાં પણ ઉમરા ગામે આવેલ મધરઈન્ડિયા ડેમ ઓવરફ્લો થયો છે.
સુરત જીલ્લામાં ગત મોડી સાંજથી વરસાદી માહોલ જામ્યો છે. અને જિલ્લાના તમામ તાલુકાઓમાં સરેરાશ બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સુરત જિલ્લાના ૯ તાલુકા પૈકી ઉમરપાડા તાલુકો વધુ પ્રભાવિત થયો છે. ઉમરપાડા તાલુકામાં ૨૪ કલાકમાં ધોધમાર વરસાદ પડતાં ૮ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેથી ઉમરપાડાના બાલકુવા નજીક આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. ઉમરપાડા વિસ્તારનું પાણી માંડવી તાલુકાને પણ અસર કરતા માંડવી તાલુકાનો ગોડધા ડેમ ફરીવાર ઓવરફ્લો થયો હતો.
આ સિઝનમાં ચોથીવાર ડેમ ઓવરફ્લો થયો હતો. તો બીજી બાજુ મહુવા તાલુકામાં પણ ૩ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી મહુવા તાલુકાના ઉમરા ખાતે આવેલ ઐતિહાસિક મધર ઈન્ડિયા ડેમ ઓવરફ્લો થયો હતો. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે અંબિકા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરતા ડેમમાં પાણીની આવક વધી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500