રિઝર્વ બેન્ક દ્વારા રૂપિયા 2000ની ચલણી નોટસ પાછી ખેંચાયા બાદ દેશની બેન્કોમાં જમા અથવા એકસચેન્જ કરાયેલી રૂપિયા 2000ની નોટસમાંથી મોટાભાગની નોટસ વેપાર ગૃહો તરફથી પ્રાપ્ત થઈ છે, રિટેલ ખાતેદારોથી બહુ ઓછા પ્રમાણમાં રૂપિયા 2000ની નોટસ જમા અથવા એકસચેન્જ કરાઈ છે, એમ બેન્કિંગ ક્ષેત્રના સુત્રોએ જણાવ્યું હતું. તારીખ 31 જુલાઈ સુધીમાં રૂપિયા 3.14 લાખ કરોડના મૂલ્યની અથવા 88 ટકા રૂપિયા 2000ની નોટસ બેન્કોમાં પરત આવી ગઈ હોવાનું રિઝર્વ બેન્કે વર્તમાન મહિનાના પ્રારંભમાં જણાવ્યું હતું.
રૂપિયા 2000ની નોટસ પાછી ખેંચવાના નિર્ણય બાદ દેશની બેન્કોમાં મોટી માત્રામાં લિક્વિડિટી વધી જતા રિઝર્વ બેન્કે ગયા સપ્તાહમાં બેન્કો માટે દસ ટકા ઈન્ક્રીમેન્ટલ કેશ રિઝર્વ રેશિયો (આઈ-સીઆરઆર) દાખલ કર્યો છે. અમારી પાસે પરત આવેલી રૂપિયા 2000ની નોટસમાંથી અંદાજે 60 ટકા નોટસ વેપાર ગૃહો પાસેથી આવી છે બાકીની વ્યક્તિગત થાપણદારો તરફથી મળી છે, એમ યુકો બેન્કનાં સુત્રોએ જણાવ્યું હતું. સિટી યુનિયન બેન્કનાં એક અધિકારીએ પોતાની બેન્કમાં 90 ટકા રૂપિયા 2000ની નોટસ મોટા ખાતેદારો તરફથી આવી હોવાનો દાવો કર્યો હતો. વેપાર ગૃહો મોટેભાગે લોન્સ જમા કરાવે છે.જ્યારે વ્યક્તિગત ખાતેદારો એકસચેન્જમાં લઈ જાય છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વર્તમાન વર્ષના 19મી મેએ સરકારે રૂપિયા 2000ની નોટસ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી અને બેન્કોને નોટસ પરત કરવા 30 સપ્ટેમ્બર સુધીનો સમયગાળો અપાયો છે. તારીખ 31 જુલાઈનાં અંતે માત્ર રૂપિયા 42 હજાર કરોડના મૂલ્ય સાથેની રૂપિયા 2000ની નોટસ ચલણમાં હતી. નોટબંધીના કાળમાં દાખલ કરાયેલી રૂપિયા 2000ની નોટસને સરકારે 2018-19થી પ્રિન્ટ કરવાનું બંધ કરી દીધું હતું. તારીખ 31મી માર્ચ 2023નાં અંતે કુલ રૂપિયા 3.62 લાખ કરોડના મૂલ્યની રૂપિયા 2000ની નોટસ સર્ક્યુલેશનમાં હતી. જે દેશમાં સર્ક્યુલેશનમાં રહેલી કુલ નોટસમાંથી 10.80 ટકા જેટલી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500