જૂનાગઢ શહેરમાં સર્જાયેલી આફતમાં એક હજારથી વધુ કાર અને સેંકડો મોટરબાઈક પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે માત્ર વાહનોના નુકસાનનો જ અંદાજ 100 કરોડથી વધુને આંબી ગયો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી કાર પાણીનાં પ્રવાહમાં તણાઈ જવાથી અને અમુક વિસ્તારોમાં પૂરમાં કાર ડુબી જવાથી વાહન ચાલકોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જૂનાગઢમાં ક્રેઈન ખૂટી પડી છે. આ ઉપરાંત શો-રૂમમાં ભંગાર થઈ ગયેલા વાહનો રાખવા માટેની જગ્યા રહી નથી. તારીખ 22નાં બપોર બાદ જૂનાગઢમાં થયેલા ભારે વરસાદનાં કારણે રાયજીબાગમાં આવેલા આઠ એપાર્ટમેન્ટમાંથી બેઝમેન્ટ પાર્કિંગ વાળા ચાર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેલી 200 જેટલી કાર અને રાયજીબાગની શેરીઓ અને બંગલામાં રહેલી કાર પાણીના પ્રવાહમાં ડૂબી ગઈ અને અમુક કાર તણાઈ ગઈ છે.
આ ઉપરાંત કાશી વિશ્વનાથ સોસાયટી, દાણાપીઠ સોસાયટી, લક્ષ્મીનગર સોસાયટી, જલારામ સોસાયટી, દુર્વેશનગર, પ્રમુખનગર, દિપાંજલી, ટીંબાવાડી, મધુરમ, વાડલા ફાટક સહિતનાં વિસ્તારોમાં પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થતાં નાની મોટી એક હજાર જેટલી કાર અને સેંકડો બાઈક પાણીમાં ડૂબી જવાથી ભંગાર બની ગયાં છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા રાયજીબાગ, રાજલક્ષ્મી પાર્કમાં ઘરદીઠ બે ત્રણ કાર છે. જયારે શનિવારનાં પૂરની સ્થિતિ સર્જાણી ત્યારે જે કાર રાયજીબાગ અને રાજલક્ષ્મી પાર્કમાં હતી તે તમામ કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ ઉપરાંત અનેક સોસાયટીઓમાં પાણીના ધસમસતા પ્રવાહે કારને હોડી જેવી બનાવી દીધી હતી. કાર પાણીના પ્રવાહમાં તરતી જોવા મળી હતી. વાહન ચાલકોએ પોતાની કાર પાણીમાં ગરકાવ થવાના કારણે જે તે સર્વિસ સેન્ટરમાં મુકવા માટેની તજવીજ શરૂ કરી છે.
કારને લઈ જવા માટે ક્રેઈનનું લાબું વેઈટીંગ થઈ ગયું છે. ભંગાર થઈ ગયેલી કારને રાખવા માટે જૂનાગઢના શો-રૂમ, સર્વિસ સેન્ટરમાં જગ્યાઓ ખૂટી પડી છે. જે કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી તે કાર ટોટલ લોસ થઈ ગઈ છે. કારનો વિમો પાસ કરાવવા અને શો-રૂમે પહોંચાડવા માટે વાહન ચાલકોને ભલામણોનો દોર શરૂ કરવા મજુબર બનવું પડયું છે. જૂનાગઢનો કાર ટોઈંગ કરવા માટેની ક્રેઈનો હાલ વેરાવળમાં છે. કેમ કે, થોડા દિવસ અગાઉ વેરાવળ શહેરમાં પાણીના પ્રવાહમાં સેંકડો કાર ડુબી ગઈ હતી. તેને ટોઈંગ કરી શોરૂમ ખાતે પહોંચાડવા માટે વેરાવળની ક્રેઈનો ખૂટી પડતા જૂનાગઢથી ક્રેઈનો કામગીરી કરવા માટે ગઈ હતી.
હજુ વેરાવળની સ્થિતિ થાળે પડી નથી ત્યાં જૂનાગઢમાં સર્જાયેલી આફતમાં ક્રેઈન ખૂટી પડી છે. જૂનાગઢમાં કાર ટોઈંગ કરવા માટે રાજકોટથી ક્રેઈન મંગાવવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. વાહનો પાણીના પ્રવાહમાં ડુબી જવાથી ટોટલ લોસ થઈ ગયા હોવાથી શોરૂમના માલિકને કઈ મળે તેમ ન હોવાથી અમુક શો-રૂમના સંચાલકો આવી સ્થિતિમાં ભોગ બનેલા વાહન ચાલકોને ઉધ્ધત જવાબ આપતા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. જે વાહનોમાં નુકસાન હોય તેને રિપેરીંગ કરવામાં આવે તો શો-રૂમના સંચાલકને નફો મળે છે. પરંતુ ટોટલ લોસની સ્થિતિમાં વિમા કંપનીદ્વારા ગાડીની નક્કી કરવામાં આવેલી કિંમત સીધી જ વાહન માલિકને મળે છે, જેમાં શો-રૂમને કોઈ નાણાંકિય લાભ થતો નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500