ડાંગ જિલ્લામાં ગુરૂવારે દુધાળા દેવ ગણેશજીને આહવા, વઘઇ, સુબીર, સાપુતારામાં શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાનું પ્રવેશદ્વાર ગણાતું વઘઇ નગરના નાના-મોટા વિવિધ મંડળો દ્વારા 18 જેટલા દુંદાળાદેવ ગણપતિની નગરમાં વાજતે ગાજતે DJ અને નૃત્યના રમઝટ સાથે શોભાયાત્રા કાઢી અંબિકા નદીમાં વિસર્જિત કરવામાં આવ્યા હતા. જિલ્લાના મુખ્ય મથક આહવામાં પોલીસ વિભાગ સહિત વિવિધ નાના મોટા 30 જેટલા મંડળો દ્વારા આહવા તળાવ અને ભૂંસદા ખાપરી નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સુબીર તાલુકા મથક સહિત ગામોમાં ગણેશ મંડળો દ્વારા પૂર્ણા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.
ગિરિમથક સાપુતારામાં સરકારી-ખાનગી શાળા, મહાશાળાઓ સહિત હોટેલિયરો અને ગણેશ મંડળો દ્વારા 10 શ્રીજીને ઢોલ નગારા સાથે નગરમાં શોભાયાત્રા કાઢી ‘ગણપતિ બાપ્પા મોર્યા પુઢચે વરસી લવ કરયા’ના નાદ સાથે ડીજેના તાલે ગણેશ ભક્તો થીરકી ઉઠ્યા હતા. તમામ શ્રીજીની મૂર્તિને વિધિઅનુસાર નિર્વિઘ્ને ગણેશ મંડળ દ્વારા સર્પગંગા તળાવમાં વિસર્જન કરાયું હતું. આ વિસર્જન યાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે જિલ્લા સમાહર્તા એમ.આઈ.પટેલ અને જિલ્લા પોલીસ વડાના સુચારુ આયોજન થકી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ કર્મીઓનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ડાંગ જિલ્લાના 311 ગામોમાં નાની મોટી 600થી વધુ શ્રીજીની મૂર્તિનું વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500