યુનાઈટેડ નેશન્સની સંસ્થા વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનાં વડા ડેવિડ બેસ્લીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, 45 દેશોના 5 કરોડ કરતાં વધુ લોકો ભૂખમરાથી પીડિત છે. એટલું જ નહીં, આ આંકડાંમાં ઘટાડાને બદલે વધારો થઈ રહ્યો છે. વિવિધ કારણોથી ભૂખમરાની સમસ્યા વકરી ગઈ છે. યુદ્ધ-ક્લાઈમેટ ક્રાઈસિસ-કોરોના મહામારી વગેરેએ માનવજાતિ માટે મુશ્કેલી સર્જી છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામનાં વડા ડેવિડ બેસ્લીએ કહ્યું હતું કે, દુનિયાના 45 દેશોનાં 5 કરોડ લોકો ભૂખમરાથી પીડિત છે.
જેમાં 27 કરોડ કરતાં વધુ લોકો એક ટંક ખાવાનું ક્યાંથી અને કેવી રીતે મળશે તેની સામે ઝઝૂમી રહ્યા છે. તેમને ખબર હોતી નથી કે, હવે પછીનું ભોજન તેમને કેવી રીતે મળશે. તેમની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. તેમણે દાવો કર્યો હતો કે, દુનિયામાં દર પાંચમી સેકન્ડે એક બાળક ભૂખમરાથી મૃત્યુ પામે છે. કોરોના મહામારી, યુદ્ધની સ્થિતિ, દુનિયાભરમાં અલગ અલગ સ્થળોએ અરાજકતા, આતંકવાદ, ક્લાઈમેટ ક્રાઈસિસ, મોંઘવારી, બેરોજગારી વગેરેના કારણે કરોડો લોકો ભૂખમરામાં ધકેલાઈ રહ્યા છે.
ડેવિડ બેસ્લીએ દુનિયાભરનાં સદ્ધર દેશોને અપીલ કરી હતી કે, ખોરાકની અછત સામે યુદ્ધના ધોરણે લડવાની જરૂર છે. જો 21મી સદીમાં દુનિયા સામે ભૂખમરાની સમસ્યા હોય તો એ આજની માનવજાત માટે શરમજનક બાબત ગણાય. તેમણે સરકારો ઉપરાંત ટોચના ઉદ્યોગપતિઓને ભૂખમરા સામે લડવા માટે દાનનો પ્રવાહ વહાવવાની અપીલ પણ કરી હતી. ખાસ તો ખાડી દેશોના ધનવાનોને આ સંકટમાંથી નીકળવા મદદ કરવાનું આહ્વાહન આપ્યું હતું. પોતાની કમાણીમાંથી થોડોક હિસ્સો દાનમાં આપે તો પણ આ સમસ્યા સામે લડી શકાય તેમ છે એવું તેમણે ઉમેર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500