યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાના પહેલા દિવસે આણંદ જિલ્લાના માઈભક્તો સાથે એક ખાનગી લકઝરી બસ અંબાજી આવી હતી. જોકે ગતરોજ બપોરે દોઢેક વાગ્યે આ ખાનગી બસ પરત જઈ રહી હતી ત્યારે અંબાજીના ચીખલા નજીક પહાડ સાથે અથડાતાં 40થી વધારે પ્રવાસીઓને ઈજાઓ પહોંચી હતી. જેમાં 18 મુસાફરોને વધારે ઈજાઓ થતાં સારવાર અર્થે પાલનપુર ખસેડાયા હતા. બસ ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે. જેમાં મોટાભાગના ઈજાગ્રસ્તો આણંદ જિલ્લાના કણજરીના છે.
જ્યારે કેટલાક ઈજાગ્રસ્તો વડોદરા, ડાકોર, અંબાજી અને નડિયાદના પણ છે. યાત્રાધામ અંબાજી ખાતે હાલમાં ભાદરવી પૂનમ મહા મેળો ચાલી રહ્યો હોવાથી આણંદ જિલ્લાના માઈ ભક્તો શનિવારે રાત્રેમાં અંબાના દર્શનાર્થે આવ્યા હતા અને રવિવારે વહેલી સવારે માં અંબાના દર્શન કરી તેઓ જ્યાં ઊતર્યા હતા તે ધર્મશાળામાં ભોજન લઈ પોતાના વતન તરફ આ ખાનગી લક્ઝરી બસમાં જઈ રહ્યા હતા. જ્યાં અંબાજીથી અમદાવાદ જવાના હાઇવે માર્ગ ઉપર ચીખલા ગામના પહાડ સાથે લક્ઝરી બસ અથડાઈ હતી. જેના કારણે આ બસનું ઉપરનું છજુ સંપૂર્ણપણે તૂટી ગયું હતું.
બનાવના પગલે લગભગ 40થી વધુ યાત્રિકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ સ્થાનિક વહીવટી તંત્રને થતા 108 વાન તથા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઇજાગ્રસ્ત યાત્રિકોને તાત્કાલિક સારવાર અર્થે અંબાજીની આદ્યશક્તિ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આમાં 18થી વધુ યાત્રિકોને ગંભીર રીતે ઘવાયેલ હોવાથી તેઓને પાલનપુર ખાતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. તંત્ર દ્વારા તાત્કાલિક આ ખાનગી બસને રોડની સાઇડે કરી વાહન વ્યવહાર ખુલ્લો કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500