તારીખ ૧ જુલાઈનાં રોજ શરૂ થવા જઈ રહેલી અમરનાથ યાત્રાને લઈને પવિત્ર યાત્રાધામનાં શ્રાઈન બોર્ડે હેલ્થ એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં ૪૦થી વધુ ખાદ્યપદાર્થો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને યાત્રિકોને દિવસમાં ઓછામાં ઓછા ૫ કિલોમીટર ચાલીને શારીરિક તંદુરસ્તી હાંસલ કરવાની સલાહ આપવામાં આવી છે. આ પ્રતિબંધિત ખાદ્ય પદાર્થોમાં પીણાં, તળેલી અને ફાસ્ટ ફૂડની વસ્તુઓનો સમાવેશ થાય છે. દક્ષિણ કાશ્મીર હિમાલયમાં ૩,૮૮૦ મીટર ઊંચી પવિત્ર ગુફાની યાત્રા જોડિયા ટ્રેકથી શરૂ થવાની છે.
આ માટે અનંતનાગ જિલ્લામાં પરંપરાગત ૪૮ કિમીના નુનવાન-પહલગામ રૂટ અને ગાંદરબલમાં ૧૪ કિમી ટૂંકા પરંતુ ઢાળવાળા બાલટાલ રૂટની પસંદગી કરવામાં આવી છે. આરોગ્ય સલાહકારે શારીરિક તંદુરસ્તી હાંસલ કરવા માટે ભક્તોને આહ્વાન કરીને કહ્યું છે કે, તેમણે દરરોજ સવારેઅને સાંજે ૪થી ૫ કિમી સુધી વોકિંગની શરૂઆત કરવી જોઈએ. આ સાથે જ અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા ૪૦ ખાદ્યપદાર્થો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પ્રતિબંધિત ખાદ્યપદાર્થોમાં તળેલા ચોખા, પુરી, ભટુરા, પિઝા, બર્ગર, સ્ટફ્ડ પરોઠા, ડોસા અને તળેલી રોટલી, માખણ સાથેની બ્રેડ, ક્રીમ આધારિત ખોરાક, અથાણું, ચટણી, તળેલા પાપડ, ચાઈનીઝ ફૂડ આઈટમ જેવી કે, ચાઉમીન અને ફાસ્ટફૂડની અન્ય આઈટમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બોર્ડે અનાજ, કઠોળ, લીલા શાકભાજી અને સલાડની સાથે ભાતની કેટલીક વાનગીઓ જેવા આરોગ્યપ્રદ વિકલ્પોની ભલામણ કરી છે.
હાઈ એલ્ટિટયુડ સિકનેસના નિવારણ માટે, બોર્ડે ગુફા મંદિર સુધી યાત્રા કરવાની ઈચ્છા ધરાવતા દરેક ભક્તને વોકિંગની સાથે યોગાસન અને ઊંડા શ્વાસની કસરતો કરવાની સલાહ આપી છે. શરીરની ઓક્સિજન ક્ષમતાને ધ્યાને લઈને પ્રાણાયામ કરવા પણ કહેવામાં આવ્યું છે. આ સાથે જ બોર્ડે હાઈપોથર્મિયાથી બચવા ગરમ પીણાં સહિત પુષ્કળ પ્રવાહી અને તંદુરસ્ત આહારની સલાહ આપી છે. આ એડવાઈઝરીમાં ભક્તોને આલ્કોહોલ, કેફીન અને ધૂમ્રપાનથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500