ભારતમાં સિંગાપોરમાં તાજેતરમાં આવેલા ઉછાળા સાથે સંકળાયેલા કોવિડના પેટા-વેરિયન્ટ કેપી.2ના 290 કેસ અને કેપી.1ના 34 કેસ મળી આવ્યા છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે આ જેએન.1ના આ પેટા વેરિયન્ટ ગંભીર નથી અને તેનાથી દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી પડી તેમજ કેસ ગંભીર નથી બન્યા. તેમણે જણાવ્યું કે વાયરસના આ મ્યુટેશન કુદરતી છે અને સતત ચાલુ રહેતી પ્રક્રિયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ મ્યુટેશન ઝડપી ગતિએ ચાલુ રહેશે જે સાર્સ કોવિડ જેવા વાયરસની વિશિષ્ટતા છે.
આથી ચિંતા અથવા ગભરાટનું કોઈ કારણ નથી. ઈન્ડિયન સાર્સ કોવી-ટુ જેનોમિક્સ કન્સોર્ટિયમ (આઈએનએસએસીઓજી) સંવેદનશીલ સર્વેલન્સ સીસ્ટમ છે જે નવા વેરિયન્ટને પ્રારંભિક તબક્કામાં જ ઓળખી કાઢવા તેમજ ચેપની ગંભીરતામાં થતા કોઈપણ ફેરફાર પર દેખરેખ રાખવા હોસ્પિટલમાંથી સેમ્પલો એકત્ર કરવા સક્ષમ છે. આઈએનએસએસીઓજીના ડાટામાંથી મળેલી માહિતી અનુસાર કેપી.1 કેસ સાત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે જેમાં પશ્ચિમ બંગાળ 23 કેસ સાથે સૌથી ટોચે છે અન્ય રાજ્યોમાં ગોવ, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તરાખંડ સામેલ છે.
કેપી.2 કેસ વધુ પ્રમાણમાં ફેલાયા છે જેમાં મહારાષ્ટ્ર 148 કેસ સાથે સૌથી ટોચે છે. કેપી.2 નોંધાયા હોય તેવા અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દિલ્હી ગોવા, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પ.બંગાળ સામેલ છે. ઉલ્લેખનીય છે કે, સિંગાપોર કોવિડ-19ની નવી લહેરનો સામનો કરી રહ્યું છે. 5મી મેથી 11 મે સુધી અહીં તેના ટેકનીકલ ઘટકો પરથી ફ્લર્ટ તરીકે ઓળખાતા કેપી.1 અને કેપી.2 સાથેના 25 હજારથી વધુ કેસ નોંધાયા હતા. વૈશ્વિક સ્તરે કેપી.1 અને કેપી.2 સહિત જેએન.૧ અને તેના પેટા-વેરિયન્ટ મુખ્ય રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કેપી.2ને નિરીક્ષણ રાખવા યોગ્ય વેરિયન્ટ તરીકે જાહેર કર્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500