મહારાષ્ટ્રના સંભાજીનગરમાં જલગાંવ ગામની એક શાળામાં શનિવારે અચાનક જ 250થી વધુ વિદ્યાર્થીઓની તબિયત ખરાબ થવાની ઘટના સામે આવી છે. શાળામાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર રૂપે બિસ્કિટ આપવામાં આવ્યા હતા. જોકે બિસ્કિટ ખાતાં જ બાળકો ઊલટી કરવા લાગ્યા હતા. જે બાદ બાળકોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાતાં ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું હતું. જેમાં 250 જેટલાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી. જોકે સાત બાળકોની તબિયત વધુ બગડતાં તેમને સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
શાળાના વિદ્યાર્થીઓ તરફથી ફૂડ પોઈઝનિંગની ફરિયાદ મળતાં જ ગામના સરપંચ શાળાએ પહોંચ્યા હતો અને શિક્ષકો તેમજ અન્ય લોકોની મદદથી વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા હતા. આ ઘટનાથી શાળામાં અભ્યાસ કરતાં 296 બાળકોમાંથી 257 બાળકોની તબિયત ખરાબ થઇ હોવાની માહિતી સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, શનિવારે શાળામાં હાફ ડે હોવાના કારણે બાળકો સવારે આઠ વાગ્યે શાળાએ આવ્યા હતા. દરમિયાન લગભગ સાડા આઠ વાગ્યે શિક્ષકોએ પૂરક આહાર તરીકે બિસ્કિટ આપ્યા હતાં.
જે બાદ અચાનક શાળાના ઘણાં બધા બાળકોની તબિયત લથડી હતી. બાળકો બિસ્કિટ ખાતાં જ ઊલટી કરવાં લાગ્યાં હતાં. ઘટના બાદ વિદ્યાર્થીઓના વાલીઓએ શાળા વિરૂદ્ધ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ઘટના અંગે હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે, જિલ્લા પરિષદ પ્રાથમિક વિદ્યાલયમાં બિસ્કિટ ખાવાથી 257 વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગના શિકાર બન્યા હતા. જેમાંથી 250 બાળકોને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી છે. જોકે સાત વિદ્યાર્થીઓની તબિયત વધુ બગડતાં તેમને છત્રપતિ સંભાજીનગર સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે જયારે હાલ બાળકોની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500