પુણેનાં કોંઢવા વિસ્તારના ગંગાધામમાં ત્રણ એકર વિસ્તારમાં ફેલાયેલ ગોદામોમાં ભીષણ આગ ફાટી નીકળતા આ આગમાં 20થી 25 ગોદામ બળીને ખાખ થઈ ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી તેમ છતાં આ ઘટનામાં મોટું આર્થિક નુકસાન થયું હોવાનું કહેવામાં આવે છે. જયારે આગમાં ખાખ થયેલ ગોદામમાં ફર્નિચર, ઈલેકટ્રીક આઈટમ હાર્ડવેર, ઓટોપાર્ટ, ડેકોરેટીવ મટેરીયલ, બિસ્કીટ, સિમેન્ટ અને મોલ્ડીંગના મોટા જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.
આ તમામ જથ્થો આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા પુણે ફાયર બ્રિગેડના 20થી 25 બંબાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાની સાથે જ બચાવ અને રાહત અભિયાન હાથ ધર્યું હતું. ગોદામોમાં લાગેલી વિકરાળ આગને ધ્યાનમાં રાખી આગમચેતીના ઉપાયરૂપે ફાયરબ્રિગેડે આસપાસનાં વિસ્તારોનાં નાગરિકોને ત્યાંથી દૂર હટાવ્યા હતા અને અમુક વિસ્તાર ખાલી કરાવ્યા હતા. આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર પુણે શહેરના કોંઢવા વિસ્તારમાં આજે સવારે નવ વાગ્યાની આસપાસ એક ગોદામમાં આગ ફાટી નીકળી હતી.
જોત-જોતામાં આ આગ અન્ય ગોદામોમાં પણ ફરી વળી હતી. આ ગોદામોમાં રાખેલ સામાનને લીધે ત્રણ એકર વિસ્તારમાં આવેલ વિવિધ ગોદામો આગની ચપેટમાં આવી ગયા હતા. આ આગમાં 20થી 25 ગોદામો બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. આગની લપેટો અને ધુમાડો દૂર- દૂરથી નજરે પડતો હતો. આગની ભીષણતાને ધ્યાનમાં રાખી ફાયર બ્રિગેડના 22 બંબાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ લોકોએ પાણીનો જોરદાર મારો ચલાવી આગ બુઝાવવાની શરૂઆત કરી હતી. આ ગોદામોમાં ફર્નિચર, ઈલેકટ્રીક આઈટમ ડેકોરેટીવ મેટીરિયલ્સ, મોલ્ડીંગ અહીંના મોટા પ્રમાણમાં સંગ્રહ કરવામાં આવ્યો હોવાથી આગ તરત જ વિવિધ ગોદામોમાં ફેલાઈ ગઈ હતી અને વિકરાળ રૂપ પકડી લીધું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500