Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીનમાં છેલ્લા ત્રણ સપ્તાહમાં કોરોનાનાં 2.53 લાખથી વધુ કેસ નોંધાયા

  • November 23, 2022 

આખી દુનિયા કોરોના મહામારીનાં મારમાંથી માંડ બેઠી થઈ રહી છે તેવા સમયમાં વિશ્વભરમાં કોવિડ-19 ફેલાવનાર ચીનમાં વધુ એક વખત મહામારીએ ઉથલો માર્યો છે. જેનાથી દુનિયા ફરી એક વખત ચિંતામાં પડી ગઈ છે. ચીનમાં છેલ્લા ત્રણ સપ્તાહમાં કોરોનાના 2.53 લાખથી વધુ કેસ નોંધાયા છે અને દૈનિક સરેરાશ સતત વધી રહી છે તેમ સરકારે મંગળવારે કહ્યું હતું. કોરોનાનાં કેસ વધતા સરકારે બેઈજિંગમાં પાર્ક્સ, મ્યુઝિયમ જેવા જાહેર સ્થળો તેમજ ઓફિસો બંધ કરી દીધા છે અને અનેક આકરા પ્રતિબંધો મૂક્યા છે. ચીનમાં કોરોના મહામારીએ ઉથલો મારતા 'શૂન્ય કોવિડ નીતિ' હેઠળ લાખો લોકોને તેમના ઘરોમાં ગોંધી રાખતા નિયમો હળવા કરીને આર્થિક નુકસાન ઘટાડવાનો પ્રયત્ન કરનારી જિનપિંગ સરકાર પર ફરી આકરા પ્રતિબંધો લાદવા દબાણ વધ્યું છે.



સરકારે બેઈજિંગ સહિતના અગ્રણી શહેરોમાં ભીડભાડવાળી જગ્યાઓ, સ્ટોર્સ, પાર્ક, મ્યુઝિયમ્સ અને ઓફિસો બંધ કરી દીધા છે. વધુમાં ફેક્ટરીઓ અને કંપનીઓને તેમના કર્મચારીઓના બહાર નિકાળવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે જાહેર સ્થળો પર પ્રવેશનારા દરેક નાગરિક માટે 48 કલાકમાં કોરોનાનો ટેસ્ટ કરાવવો ફરજિયાત કરાયું છે. જિનપિંગ સરકારનાં કોરોના મહામારી રોકવા માટેના નિયંત્રણોના પગલે લાખો પરિવારો તેમના ઘરોમાં કેદ થઈ ગયા છે અને દુકાનો તથા ઓફિસો પણ બંધ કરી દેવાઈ છે. જોકે, કોરોના સામેની લડતમાં ચીનની આકરી નીતિના કારણે સમગ્ર વિશ્વમાં ફરી એક વખત વૈશ્વિક અર્થતંત્ર મુશ્કેલીમાં મુકાઈ ગયું છે.



આ પ્રતિબંધોનાં કારણે વૈશ્વિક સ્તરે વેપાર અને ધંધા મંદીમાં સપડાયા છે, જેથી વૈશ્વિક સ્તરે વેપાર-વાણિજ્યને નુકસાન થવાનો ડર સતાવી રહ્યો છે. નિષ્ણાતોનાં જણાવ્યા મુજબ વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ચીનમાં નોંધાતા દૈનિક કેસ અમેરિકા અને અન્ય દેશોની સરખામણીમાં ઓછા છે, છતાં જિનપિંગ સરકાર ઝીરો કોવિડ નીતિને વળગી રહી છે. આ મહિનાનાં પ્રારંભમાં સરકારે 'શૂન્ય કોવિડ નીતિ'માં આંશિક છૂટછાટો આપવાનું વચન આપ્યું હતું અને તે મુજબ નિયંત્રણોને થોડાક હળવા કરાયા હતા.



પરંતુ કોરોના મહામારીની નવી લહેરે સરકાર માટે નિયંત્રણો દૂર કરવાનું કામ વધુ મુશ્કેલ કરી દીધું છે. ચીન ન્યૂઝ સર્વિસનાં અધિકારીઓએ કહ્યું હતું કે, દેશમાં ગયા સપ્તાહે ચીનના સરેરાશ દૈનિક કેસ 22,200 થયા હતા, જે અગાઉના સપ્તાહના દર કરતાં બમણો દર હતો. કેટલાક પ્રાંતોમાં સ્થિતિ છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ ગંભીર અને જટીલ હતી. જોકે, ચીનમાં કોરોના મહામારીના પ્રસારનો દર અમેરિકા અને અન્ય મોટા અર્થતંત્રો કરતાં ઘણો નીચો છે.




સરકારે જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28,127 નવા કેસ નોંધાયા હતા, જેમાં 25,902 દર્દીઓમાં કોરોનાના લક્ષ્ણો જોવા મળ્યા હતા. આ કોરોના દર્દીઓમાંથી લગભગ ત્રીજા ભાગના એટલે કે 9,022 ગુઆંગડોંગ પ્રાંતના હતા. હોંગકોંગ સાથે જોડાયેલ આ પ્રાંત મોટાભાગે નિકાસલક્ષી ઉત્પાદન એકમોનો ગઢ છે. અમેરિકન ફેડરલ બેન્ક દ્વારા ગયા સપ્તાહે ફુગાવો નીચો લાવવા માટે વ્યાજદરમાં વધારો કરવા અંગે નિવેદન અપાયા પછી ચીનમાં કોરોના સંબંધિત નિયંત્રણોના કારણે સોમવારે વૈશ્વિક બજારોમાં કડાકો બોલાયો હતો. રોકાણકારો ચીનના અર્થતંત્રમાં કોરોના સંબંધિત લોકડાઉન વધુ આકરું બનવાની આશંકાથી બજારમાં વધુ ઘટાડાની શક્યતા જોઈ રહ્યા છે. ચીન એશિયા અને વિશ્વના ટોચના બજારો માટે વિશ્વનું સૌથી મોટું નિકાસકાર હોવાથી ચીનમાં લોકડાઉનની અસર દુનિયાના બધા જ દેશો પર પડી રહી છે. પરિણામે નિષ્ણાતો તેમજ રોકાણકારોને બજારમાં મંદી આવવાનો ડર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application