Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નેપાળમાં ૬.૪ની તીવ્રતાવાળા આવેલા ધરતીકંપમાં અંદાજીત ૧૫૭થી વધુ લોકો માર્યા ગયા, મરણાંક ઘણો વધવાની ભીતિ

  • November 05, 2023 

નેપાળમાં ૬.૪ની તીવ્રતાવાળા આવેલા ધરતીકંપમાં ઓછામાં ઓછા ૧૫૭થી વધુ લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. હિમાલય પરના આ દેશમાં શુક્રવારે રાતના ૧૧.૪૭ વાગ્યે ભૂકંપ આવ્યા બાદ અંદાજે ૧૬ કલાકમાં ભૂકંપના ૧૫૯ પાછોતરા આચકા પણ આવ્યા હતા. મરણાંક ઘણો વધવાની ભીતિ છે.


ધરતીકંપથી સેંકડો ઘર તૂટી ગયા હતા અથવા તેઓને નુકસાન થયું હતું. કાઠમંડુની પશ્ર્ચિમમાં અંદાજે પાંચસો કિલોમીટર દૂર જાજરકોટ જિલ્લામાં ધરતીકંપનું કેન્દ્રબિંદુ હતું.અગાઉ, નેપાળમાં ૨૦૧૫માં આવેલા ભૂકંપમાં અંદાજે ૯,૦૦૦ લોકો માર્યા ગયા હતા અને ૨૨,૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.નેપાળના ધરતીકંપના આચકાની અસર નવી દિલ્હી અને તેની આસપાસના રાજ્યોમાં પણ જોવા મળી હતી. નેપાળના લશ્કર અને અન્ય સુરક્ષા દળોની સાથે સ્વયંસેવકો યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે.ભૂકંપમાં માર્યા ગયેલા લોકોમાં જાજરકોટ જિલ્લાની નાલગઢ મ્યુનિસિપાલિટીનાં ડેપ્યુટી મેયર સરિતા સિંહનો સમાવેશ થાય છે.રાતના આવેલા ધરતીકંપ બાદ મોટા ભાગના લોકોએ ખુલ્લામાં જ આખી રાત વિતાવી હતી અને હજી પણ તેઓ પોતાનાઘરમાં જતાં ડરે છે. ભૂકંપમાં તૂટી પડેલી ઇમારતોના કાટમાળ હેઠળ ફસાયેલા સેંકડો લોકોને બચાવવાની કામગીરી શનિવારે મોડી રાત સુધી ચાલુ હતી.


નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલે ધરતીકંપને લીધે જાનમાલને થયેલા નુકસાન બદલ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને અસરગ્રસ્તોને બનતી દરેક પ્રકારની સહાય કરવાની બાંયધરી આપી હતી.ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પાડોશી મિત્ર દેશને મુશ્કેલીમાં આર્થિક તેમ જ માલસામાનની જરૂરી મદદ કરવાની ઑફર કરી હતી અને જણાવ્યું હતું કે ભારત હંમેશાં નેપાળની સહાય કરવા તત્પર રહે છે.નેપાળને દવા સહિતની તબીબી મદદ પણ કરીશું.નેપાળની સરકારે અસરગ્રસ્તોને સહાય કરવા તાત્કાલિક રૂપિયા ૫૫ લાખ ફાળવ્યા હતા.



નેપાળની કૉંગ્રેસે પણ રૂપિયા પચાસ લાખની મદદ જાહેર કરી હતી.બચાવ અને રાહત કામગીરીમાં લશ્કરના હેલિકૉપ્ટરોની સહાય પણ લેવાઇ રહી છે.નેપાળના સુદુરપશ્ર્ચિમ પ્રાંતમાં ૧૬ ઑક્ટોબરે ૪.૮ની તીવ્રતાવાળો અને કાઠમંડુમાં ૨૨ ઑક્ટોબરે ૫.૧ની તેમ જ ત્રીજી ઑક્ટોબરે ત્રણની તીવ્રતાવાળો ધરતીકંપ થયો હતો.નેપાળમાં ૨૦૧૫માં થયેલા ભૂકંપમાં દેશના પશ્ર્ચિમ અને મધ્ય જિલ્લામાં વધુ માઠી અસર થઇ હતી અને આઠ લાખથી વધુ ઘરને નુકસાન થયું હતું. અનેક ગામ નાશ પામ્યા હતા અને વિખ્યાત ઐતિહાસિક સ્મારકો પણ તૂટી ગયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application