દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આજે એક સારા સમાચાર મળી રહ્યા છે. ખેડૂતોની જીવાદોરી ઉકાઇ ડેમની સપાટી દિવસેને દિવસે વધી રહી છે. છેલ્લા 5 દિવસમાં 15 ફૂટ સપાટી વધતા ખેડૂતોમાં આનંદ ફેલાયો છે. વરસાદની સીઝનની શરૂઆતમાં ડેમમાં 1752 MCM પાણીની આવક થઈ છે. હાલ ઉકાઇ ડેમની સપાટી 331 ફૂટ પર પહોંચી ગઈ છે. ઉકાઇ ડેમનું રુલ લેવલ 333 ફૂટ છે.ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની 3 લાખ 10 હજાર હેક્ટર જમીનમાં ઉકાઇ ડેમની સિંચાઈની વ્યવસ્થા થાય છે. 5 લાખ ખેડૂતોમાં આનંદ દેખાયો છે.
સુરત શહેર સહિત જિલ્લાના 80 લાખ લોકોને પીવાના પાણીની જરૂરિયાત સંતોષે છે. રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની 207 જળ પરિયોજનાઓમાં આજની તારીખ સુધીમાં 50.92 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1,69,139 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 50.63 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના 206 જળાશયોમાં 3,02,397 એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 54.18 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
રાજ્યમાં 27 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે 41 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે, 29 જળાશયો (સરદાર સરોવર સહિત)માં 50 ટકાથી 90 ટકાની વચ્ચે, 48 જળાશયોમાં 25 ટકાથી 50 ટકાની વચ્ચે, 62 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો.
દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 27 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 15 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 13 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 12 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500