મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગત માસમાં આરોપીઓએ વકીલ મારફત તમામને બિનતહોમત ડીસ્ચાર્જ કરવા માટે અરજી કરી હતી. જેને પગલે મુદત હોવાથી પીડિત પરિવારના વકીલ દ્વારા અરજી નામંજૂર કરવા અને કેસ ચલાવવા માટે દલીલો કરવામાં આવી હતી.
ઓક્ટોબર ૨૦૨૨ માં મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. જે અંગેનો કેસ મોરબી કોર્ટ ચાલી રહ્યો છે પોલીસે ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ સહિત તમામ ૧૦ આરોપીને ઝડપી લીધા છે અને કોર્ટમાં કેસ ચાર્જ ફ્રેમ થાય તે પૂર્વે ગત તા. ૧૯-૧૧ ના રોજ મુદતમાં તમામ આરોપીઓએ વકીલ મારફત પાંચ અરજી કરી હતી. જેમાં આરોપીઓ નિર્દોષ હોવાનું અને ડીસ્ચાર્જ કરવા માટેની અરજી કરવામાં આવી હતી. જે અરજી સંદર્ભે પીડિત પક્ષના વકીલને જવાબ રજુ કરવાનો બાકી હતો.કોર્ટની મુદત હોવાથી પીડિત પક્ષના વકીલોએ કોર્ટમાં જવાબ રજુ કર્યો હતો.
પીડિત પક્ષ વતી કેસ લડતા એડવોકેટ દિલીપભાઈ અગેચણીયાએ જણાવ્યું હતું, તમામ આરોપીઓએ કોર્ટમાં બિન તહોમત ડીસ્ચાર્જ કરી છોડી મુકવા માટે અરજી કરી હતી, જેનો જવાબ રજુ કરવામાં આવ્યો છે. પીડિત પરિવાર વતી વકીલોએ આજે જવાબ ફાઈલ કર્યો છે. જેમાં પ્રાઈમ કેસીસ એવીડન્સ ઉપલબ્ધ હોવાની દલીલો રજુ કરવામાં આવી હતી, જે કલમો હેઠળ ગુનો નોંધાયો છે તે ગુનો બનતો હોય, જેથી આવા ગંભીર કેસમાં આરોપી છોડી મુકવા ના જોઈએ અને અરજી રદ કરવા દલીલો રજુ કરી હતી. આ કેસની આગામી સુનાવણી તા. ૩૧-૧૨ ના રોજ હાથ ધરાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500