સરિતા ગાયકવાડ જે "સ્વર્ણપરી" તરીકે ઓળખાતી ડાંગની આંતરરાષ્ટ્રીય દોડવીર સરિતા ગાયકવાડે તેના અથાગ પરિશ્રમથી જે મંઝિલ હાંસલ કરી છે તે જગજાહેર છે.
સામાન્ય શ્રમજીવી પરિવારમાથી આંતરરાષ્ટ્રીય દોડવીર સુધીની સફર ખેડીને દેશને ગોલ્ડ મેડલ અપાવનારી આ યુવતીએ, પ્રસિધ્ધિ અને લોકપ્રિયતા પણ ખોબલે ખોબલા ભરીને મેળવી છે.
તાજેતરમા જ સોશિયલ મીડિયાના ભરોસાપાત્ર પ્લેટફોર્મ એવા 'ઇન્સ્ટાગ્રામ' એ પણ સરિતા ગાયકવાડના ઇન્સ્ટા એકાઉન્ટને 'બ્લુ ટિક' આપી તેણીના એકાઉન્ટને અધિકૃત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના "ખેલ મહાકુંભ" માંથી પ્રાપ્ત થયેલા આ અણમોલ રત્નને રાજ્ય સરકારે ગુજરાત પોલીસની નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણુંક કરીને તેણીને અદકેરું સન્માન પણ બક્ષ્યુ છે. સરિતા ગાયકવાડ ગુજરાત ચૂંટણી આયોગના મતદાર જાગૃતિ અભિયાનની 'સ્ટેટ યુથ આઈકોન' તરીકે પણ માનદ સેવાઓ આપી રહી છે.
ડાંગ જિલ્લાનુ, અને ગુજરાત રાજ્ય સહિત દેશને અનોખુ ગૌરવ પ્રદાન કરતા આ અણમોલ રત્નોને "આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે" ખૂબ ખૂબ અભિનંદન પાઠવી, તેમના સંઘર્ષમાંથી આવનારી પેઢીને ખૂબ પ્રેરણા મળી રહે તેવી શુભકામનાઓ પાઠવીએ.
મોનાલીસા પટેલ એ સાધન સુવિધાઓના અભાવ સાથે સંદેશા વ્યવહારની પણ મર્યાદાઓ હોવા છતાં ડાંગની આ યુવતીએ માયાનગરી મુંબઈમા પ્રવેશીને સફળતાપૂર્વક રૂપેરી પરદે પદાર્પણ કરી, દુનિયાને દેખાડી દીધુ છે કે, જો તમારામા પ્રતિભા હોય તો કોઈ પણ મુશ્કેલી તમને સફળ થતા રોકી નથી શકતી.
'સાવલી' નામક પ્રાદેશિક ભાષાની પ્રથમ ફિલ્મમા ઉત્કૃષ્ટ કલાકારી દેખાડ્યા બાદ 'પિકસલ ફોરેસ્ટ ફિલ્મ સ્ટુડિઓ'ના બેનર હેઠળ બનેલી 'નેટિવ કોંગો" અને "ચિત્રકૂટ" મા પણ મોનાલીસા પટેલે અભિનયના ઓજસ પાથર્યા છે.
સને ૨૦૦૬ થી ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા કામ કરતા ડાંગની આ યુવતીએ અનેક એડ ફિલ્મો અને વિડીયો આલબમ્સમા પણ પોતાની અદાકારી દેખાડી છે. વિશેષ કરીને ડાંગી ડાન્સ, આસામનુ બીહુ નૃત્ય, મહારાષ્ટ્રની લાવણી, રાજસ્થાનનુ ઘુમર જેવી પરંપરાગત નૃત્ય શૈલી ઉપરાંત અર્બન ડાન્સ સ્ટાઇલમા પણ નિપુણતા ધરાવતી આ યુવતી, અંતરિયાળ વિસ્તારના બાળકોમા રહેલી પ્રતિભાને બહાર લાવી શકાય તે માટે અંતરિયાળ વિસ્તારમા રહીને ફિલ્મ નિર્માણની બારીકીઓ "સીનેવિદ્યા વર્કશોપ" ના માધ્યમથી ગ્રામ્ય બાળકોને શીખવી રહી છે.
પોતાના ત્રણ વર્ષના ભારત ભ્રમણ બાદ મોનાલીસા પટેલ દ્રઢપણે માને છે કે, જીવનમા 'અભ્યાસ પ્રવાસ' નુ ખૂબ જ મહત્વ રહેલુ છે. પ્રવાસ દરમિયાન જિંદગીની અસલી વાસ્તવિકતાઓ સાથે પનારો પડતા કેટલા વિસે સો થાય તે તમને આપોઆપ આવડી જતુ હોય છે.
અમદાવાદ ખાતે યોજાયેલા 'ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ'મા ભાગ લઈને આવેલી મોનાલીસા પટેલ મરાઠી ફિલ્મ "નાદ પ્રેમાચા" સહિત તેણીના હોમ પ્રોડકશનની આગામી ફિલ્મ "શમા"મા કામ કરીને ડાંગ અને ગુજરાતને ગૌરવ પ્રદાન કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આગામી તા.૧૦મી માર્ચે આમિર ખાનની આગામી ફિલ્મ "કોઈ જાને ના" નુ 'હરફન મૌલા...' સોન્ગ રિલીઝ થઈ રહ્યું છે, જેમા પડદા પાછળની ડિરેક્શન ટીમમા પણ મોનાલિસા પટેલે તેની ક્રિએટિવિટી દેખાડી છે. એક્ટ્રેસ, ડાન્સર, સિંગર, અને ડિરેકટર તરીકેની મલ્ટીપલ પર્સનાલિટી "મોના પટેલ" ને "આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ" એ વિશેષ અભિનંદન પાઠવીએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500