Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતભરમાં ભાજપના વાવાઝોડા સામે મોઢવાડિયા રહ્યા અડીખમ : પોરબંદર સીટ પર ૮ર૧૯ મતે વિજય

  • December 08, 2022 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઇ ગયા છે અને જે રીતે ભાજપ ૧પ૦થી વધુ સીટો પર નિશ્ચિત વિજય ભણી આગળ વધી રહ્યું છે તેણે ભારતીય રાજનીતિમાં નવો કીર્તિમાન સ્થાપીત કર્યો છે. પરંતુ પોરબંદર જિલ્લામાં ભાજપને પરાજય ખમવો પડ્યો છે અને કુતિયાણામાં સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા તો પોરબંદરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઇ મોઢવાડિયાએ તેમના નજીકના ભાજપના પ્રતિસ્પર્ધીઓને પરાજય આપ્યો છે.



પોરબંદર બેઠકનો ચૂંટણી જંગ આ વખતે ખૂબજ ચર્ચામાં રહ્યો હતો. ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગી મામલે લગભગ છેક સુધી જળવાઇ રહેલું રહસ્ય ખુલતા આખરે બાબુભાઇ બોખીરિયા પર જ ફરી એકવાર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો તો કોંગ્રેસે ફરી એકવાર અર્જુનભાઇ મોઢવાડિયા પર વિશ્વાસ દર્શાવ્યો હતો અને આ વિશ્વાસને સાર્થક કરતા અર્જુનભાઇ મોઢવાડિયાએ પોરબંદર સીટ પર ૮ર૧૯ મતે વિજય હાંસલ કર્યો છે.પોરબંદરની બેઠક પણ કુતિયાણાની જેમ જ ગુજરાતના રાજકારણમાં હંમેશા ચર્ચાના સ્થાને રહે છે.



 પોરબંદર વિધાનસભા બેઠક પર આ વખતે ચૂંટણી જંગમાં ઉતરેલા બાબુભાઇ બોખીરિયા અને અર્જુનભાઇ મોઢવાડિયા આ પહેલા ૪ વખત એક-બીજા સામે ટકરાઇ ચૂક્યા હતા જેમાં ત્રણ વિજય સાથે બાબુભાઇનું પલડુ ભારે હતું. આ વખતે ફરી એકવાર ભાજપે અર્જુનભાઇ સામે બાબુભાઇને ટીકીટ આપી હતી. પરંતુ તેઓ જીતની હેટ્રીક સર્જી શક્યા ન હતા. ઉલ્લેખનીય છે કે પોરબંદર બેઠકના ઇતિહાસમાં અગાઉ ક્યારેય પણ કોઇ ઉમેદવાર સતત ત્રણ વખત વિજેતા થયો નથી, જેમાં હવે બાબુભાઇ બોખીરિયાનું નામ પણ ફરી એકવાર ઉમેરાયું છે.



પોરબંદર સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે આજે સવારે પોરબંદર બેઠક માટે શરૂ થયેલી મત ગણતરીના પ્રારંભથી જ અર્જુનભાઇ અને બાબુભાઇ વચ્ચે રસાકસીની હરીફાઇ જામેલી જોવા મળી હતી. ક્યારેક અર્જુનભાઇનું તો ક્યારેક બાબુભાઇનું પલડુ જોવા મળી રહ્યું હતું. પરંતુ ૧૦માં રાઉન્ડ બાદ અર્જુનભાઇ મોઢવાડિયાએ પકડી લીધેલી સ્પીડને રોકવામાં બાબુભાઇ બોખીરિયા નિષ્ફળ રહ્યાં હતા અને ૧૯માં રાઉન્ડના અંતે તેમણે ૮ર૧૯ મતોથી પરાજય ખમવો પડ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application