ખોવાયેલા બાળકોને તેમના પરિવાર પાસે સુપરત પહોંચાડવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ ઉમદા કામગીરી કરી રહ્યું છે. ૧૬ વર્ષીય યુપીથી ખોવાયેલી તરૂણી ગુડીયાને માતા-પિતા સાથે પુનઃમિલન કરાવી, સુરત બાળ સુરક્ષા એકમે સંવેદનાસભર કાર્ય નિભાવ્યું છે.
સમગ્ર ઘટનાની વિગત આપતા બાળ સુરક્ષા અધિકારી જયેન્દ્રસિંહ ઠાકોર જણાવે છે કે, તા.૧૭ એપ્રિલ, ૨૦૨૦ના રોજ એક તરૂણી કડોદરા GIDC પોલિસને મળી આવી હતી. વાલી-વારસ ન હોવાના કારણે કડોદરા GIDC પોલિસ દ્વારા ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, રામનગરની સંસ્થાને સોંપવામાં આવી હતી. તરૂણીનું કાઉન્સેલીંગ કરતા તે ફતેપુરા, ઉત્તરપ્રદેશની હોવાનું જણાયું હતું.
તરૂણીએ જણાવ્યું હતું કે, પોતાના જ માતા-પિતા દ્વારા વેચી દેવામાં આવી હતી અને અજય નામના વ્યક્તિ સાથે સુરત આવી અને ત્યાંથી જીજાજી ના ઘરે ગઇ હતી.
તરૂણીએ જણાવેલી વિગતો શંકાસ્પદ લાગતા સ્ટાફ દ્વારા ફતેપુરા, યૂ.પી. પોલીસ સ્ટેશને સંપર્ક કરવામાં આવ્યો. ત્યાં તરૂણીની કોઇ ફરીયાદ થઇ ન હોવાનું જાણવા મળ્યું. જેથી વધુ તપાસ અર્થે જીલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ચાઇલ્ડ લાઇન ફતેપુરા, યૂ.પી.ને તરૂણીની વિગતો આપવામાં આવી હતી. યુ.પી.ની ચાઇલ્ડ લાઇને તરૂણીના વાલીને શોધવા તપાસ કરતાં તરૂણી દ્વારા આપવામાં આવેલી વિગતો તદ્દન અલગ હોવાનું જણાયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર તરૂણીના કાકા-કાકીએ તેના માતા-પિતાના ઘરેથી ધરેણાની ચોરી કરી હતી. જેની જાણ તરૂણીને થતાં, હકીકત બહાર ન આવી જાય તે માટે તરૂણીને કાકા-કાકી સુરત લઇ આવી તરછોડી દીધી હતી. ધાક-ધમકીઓ પણ આપી હતી. ભયના લીધે તરૂણીએ ખોટી વિગતો આપી હતી.
ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ દ્વારા તરૂણીનું વ્યવસ્થિત રીતે કાઉન્સેલીંગ કરતાં સમગ્ર વિગતો બહાર આવી હતી. તરૂણીના માતા-પિતાનો નંબર મેળવી ટેલિફોનીક વાતચીત કરાવી હતી.
સુરત વહિવટી તંત્ર, બાળ સુરક્ષા વિભાગ અને ચાઇલ્ડ લાઇન અને પોલીસ ફતેપુર, યુ.પી.ના સહયોગથી માતા-પિતાને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, સુરત ખાતે લાવી પુરાવાની ખરાઇ કરાવી, ચાર માસ બાદ તરૂણીનું પરીવાર સાથે સુખદ મિલન થયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500