રાજ્યમાં ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. ઓછા ખર્ચે ખેડૂતો વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યાં છે. ગાય આધારિત ખેતી એટલે કે, ઝીરો બજેટ ખેતીથી ખેતી ખર્ચ નહિવત્ થાય છે અને ખેડૂતો મબલક આવક મેળવી રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સહાયકારક યોજના અમલમાં મૂકવામાં આવી છે.ત્યારે માળિયા હાટીનાનાં શાંતિપરા ગામના ખેડૂત જેઠાભાઇ જોટવા નાળિયેરીની પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. આ સાથે જેઠાભાઇ નાળિયેરીનાં રોપા તૈયાર કરી તેનું વેચાણ કરે છે અને વર્ષે ૧૨ થી ૧૩ લાખનો નફો મેળવી રહ્યાં છે.
માળીયાહાટીના તાલુકાના શાંતિપરા ગામે રહેતા ખેડૂત જેઠાભાઇ કરસનભાઈ જોટવા તેમના ૨૦ વીઘા જમીનમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી મબલક આવક મેળવી રહ્યા છે, સાથે જ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરવાથી ધરતી માતાને ઝેર મુક્ત કરવાનો આનંદ અને સંતોષ પણ મેળવી રહ્યા છે.દ્રઢ સંકલ્પ, સારી વૃતિ અને મન મક્કમ હોય તો કંઈ પણ શક્ય છે. પ્રાકૃતિક કૃષિને પદ્ધતિસર કરવામાં આવે તો સરળ છે, બાકી ખૂબ અઘરો વિષય છે. આ શબ્દો છે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના શાંતિપરા ગામના ધરતીપુત્ર જેઠાભાઈ જોટવાના.
જેઠાભાઈ વર્ષ ૨૦૦૮થી પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. તેમને પ્રાકૃતિક કૃષિની પ્રેરણા ક્યાંથી મળી એ વિશે જણાવે છે કે, તેઓ સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા છે. ઉપરાંત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ પ્રાકૃતિક કૃષિને ખૂબ પ્રોત્સાહન આપી રહ્યા છે. આમ, જાણવા મળ્યું હતું કે, રાસાયણિક પેસ્ટીસાઈડ્સ કરતા ગાય આધારિત ખેતી કરીએ તો ઝેર મુક્ત ભોજન મળે છે. આ વિચાર આવ્યા બાદ તેમને વર્ષ ૨૦૧૨માં આત્મા પ્રોજેક્ટમાં જોડાયા હતા. આત્મા દ્વારા યોજાતા કાર્યક્રમ-પ્રવાસ થકી પ્રાકૃતિક કૃષિથી વધુ અવગત થયા હતા. ત્યાર પછી વર્ષ ૨૦૧૭માં અમદાવાદમાં સુભાષ પાલેકરની શિબિર પછી, વડતાલ, જૂનાગઢ, ગાંધીનગર ખાતે યોજાયેલ શિબિરમાં પણ લાભ લીધો હતો.
છેલ્લા ૪૫ વર્ષથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા જેઠાભાઈ રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક કૃષિના તફાવત અંગે કહે છે, રાસાયણિક ખેતીમાં ઉત્પાદન ઘટી રહ્યું હતું તેમજ સારાણિકખાતર, દવા વગેરેથી ખેતિ ખર્ચ પણ વધી જતો હતો. ત્યારે વર્ષ ૨૦૦૮થી રાસાયણિક ખેતી બંધ કરી અને પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા હતા. આમ, પ્રાકૃતિક ખેતીમાં ગાય આધારિત હોવાથી તેમ ખર્ચ પણ નહીવત રહે છે. ઉપરાંત ઉત્પાદન રાસાયણિક કૃષિની સરખામણીએ વધુ થાય અને ભાવ પણ વધુ મળે છે. હાલમાં જેઠાભાઈ તેના પ્રાકૃતિક ફાર્મમાં નાળિયેરીની ખેતી કરી દર વર્ષે ૧૨ થી ૧૩ લાખની કમાણી કરી રહ્યા છે.
દર વર્ષે નાળિયેરીના રોપાના વેચાણથી વર્ષે પાંચથી સાત લાખની આવક
જેઠાભાઈ છેલ્લા છ વર્ષથી નાળિયેરીના રોપાનું ઉછેર કરી તેનું વેચાણ કરે છે, તેઓ નાળિયેરીની બે જાતના રોપા તૈયાર કરે છે, જેમાં ડીટી અને ક્રોસબોનાના રોપા તૈયાર કરે છે. તેમની નર્સરીના રોપા જૂનાગઢ ઉપરાંત ગીર સોમનાથ અને જામનગરમાં પણ ડિમાન્ડ રહે છે. ડીટીના એક રોપાના ૫૦૦ રૂપિયાના ભાવે વેચાણ અને ક્રોસબોના એક રોપાના ૧૫૦ રૂપિયાના ભાવે વેચાણ કરે છે. આમ, નર્સરી દ્વારા તેઓ વાર્ષિક પાંચ થી છ લાખની કમાણી કરે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500