Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મધ્યપ્રદેશમાં બની શરમજનક ઘટના : ચાલુ એમ્બ્યુલન્સમાં સગીરા પર દુષ્કર્મ, આ કૃત્યમાં તેના બહેન અને બનેવી પણ હતા સામેલ

  • November 29, 2024 

મધ્યપ્રદેશનાં મઉગંજ જિલ્લામાં ચાલુ એમ્બ્યુલન્સમાં 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 108 ઈમરજ્સી સેવા હેઠળ સંચાલિત એમ્બ્યુલન્સમાં આ દુર્ઘટના ઘટી હતી. રસ્તા પર દોડતી એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર સહિત બે લોકોએ ગેંગરેપ કર્યો હતો. ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ સાકેત પાંડેએ જણાવ્યું હતું કે, સગીરા પર ચાલુ એમ્બ્યુલન્સમાં ગેંગરેંપ કરવામાં આવ્યો છે. આ કૃત્યમાં તેના બહેન અને બનેવી પણ સામેલ છે. ચાર આરોપીમાંથી પોલીસે બે’ની ધરપકડ કરી છે. અન્ય બે ફરાર છે. જેમની શોધખોળ ચાલુ છે. સગીરા પોતાની બહેન અને બનેવી સાથે એમ્બ્યુલન્સમાં મુસાફરી કરી હતી. જેમાં કોઈ દર્દી ન હતો. આ ત્રણેય સિવાય તેના બનેવીની ઓળખાણનો ડ્રાઈવર અને તેનો સહયોગી પણ વાહનમાં હાજર હતો.


અચાનક ચાલુ એમ્બ્યુલન્સમાં તેની બહેન અને બનેવી પાણી પીવાના બહાને રસ્તા પર જ ઉતરી ગયા. ડ્રાઈવરે તેમની રાહ જોયા વિના જ એમ્બ્યુલન્સ પુરઝડપે દોડાવી હતી. બાદમાં ડ્રાઈવર અને તેના સહયોગી રાજેશ કેવટે વેરાન ગામમાં ચાલતી એમ્બ્યુલન્સમાં સગીરા પર દુષ્કર્મ ગુજાર્યો હતો. ડીઆઈજીએ જણાવ્યું હતું કે, આખી રાત સગીરાને બંધક બનાવી તેને બીજા દિવસે સવારે વેરાન માર્ગ પર ફેંકી દીધી હતી. ગમે-તેમ કરીને પીડિતા ઘરે પહોંચી હતી અને આખી ઘટનાની જાણ તેની માતાને કરી હતી. તેણે પોતાના બહેન અને જીજાજી પર પણ આરોપ મૂક્યો હતો. આ દુર્ઘટના 21 નવેમ્બરે બની હતી. પરંતુ સગીરાની માતાએ સમાજમાં પરિવારની છબિને નુકસાન થવાના ભયે ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ અંતે તેણે 25 નવેમ્બરે પોલીસનો સંપર્ક સાધી ચાર લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. એમ્બ્યુલન્સના ડ્રાઈવર વિરેન્દ્ર ચતુર્વેદી અને તેના સહયોગી કેવટની બુધવારે ધરપકડ કરી હતી. જ્યારે પીડિતાના બહેન અને બનેવી ફરાર છે. તમામ આરોપીઓ વિરૂદ્ધ પોક્સો અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ કેસ નોંધ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application