આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે ઉધના મગદલ્લા સ્થિત નર્મદ યુનિવર્સિટીનાં અર્થશાસ્ત્ર વિભાગમાં 'વર્ક સ્ટેશન ફોર રિસર્ચ ઓન સેમ્પલ માઇક્રો ડેટા ફોર સેન્સસ'નું લોકાર્પણ કરાયું. ભારતમાં ૧૮મું અને ગુજરાતમાં બીજું સ્થાન ધરાવતું વર્ક સ્ટેશન દક્ષિણ ગુજરાતનું પ્રથમ “વસ્તી ગણતરીના નમૂનાના સૂક્ષ્મ ડેટા પર સંશોધન માટેનું કાર્યમથક” છે. વસ્તીગણતરી પછીની કામગીરીમાં વસ્તી ગણતરી દરમિયાન એકત્રિત કરવામાં આવેલા ડેટાને યોગ્ય ફોર્મેટમાં વહેલી તકે ઉચ્ચ સ્તરની ચોકસાઈ સાથે તમામ સંબંધિતો દ્વારા ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
એકત્રિત કરવામાં આવેલી વિશાળ માહિતીનો ડેટા વપરાશકર્તાઓની વિશાળ શ્રેણી દ્વારા ચોક્કસ પૂર્વફોર્મેટ કોષ્ટકો બનાવવા માટે ઉપયોગ થાય છે. દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વર્ક સ્ટેશનનું સ્થાન મેળવી ગુજરાતને ગૌરવ અપાવતી નર્મદ યુનિવર્સિટીને આદિજાતિમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ તેમણે તમામ ડિજિટલ સુવિધાઓથી સજ્જ એવા આ કાર્ય મથકને ‘મેક ઇન ઈન્ડિયા’ અને ‘ડિજિટલ ઈન્ડિયા’નાં ધ્યેય દ્વારા ભારતને સર્વશ્રેષ્ઠ બનાવવાના વડાપ્રધાનનાં ધ્યેયને સાર્થક કરતી કાર્યપ્રણાલીઓની ઝાંખી ગણાવી હતી.
જેમાં વર્ષ ૧૮૭૨થી લઈ ૨૦૧૧ સુધીના વસ્તીગણતરીના તમામ સ્તરના ડેટા માત્ર એક ક્લિક પર સંશોધકોને મળી શકશે. કાર્ય મથકની સ્થાપનાનો ઉદ્દેશ્ય લાયકાત ધરાવતા સંશોધકોને વસ્તીગણતરી દ્વારા પ્રકાશિત ન કરાયેલ ક્રોસ ટેબ્યુલેશન જનરેટ કરવા માટે ઍક્સેસની મંજૂરી આપીને ઊંડાણપૂર્વક સંશોધન માટે વસ્તી ગણતરીમાંથી અનામી માઇક્રો-ડેટાનો મહત્તમ ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો છે. આ સુવિધાનો ઉપયોગ યુનિવર્સિટીથી સંકળાયેલા ન હોય તે લોકો પણ એક અરજી દ્વારા કરી શકે છે.
આ કાર્ય મથક તમામ સુવિધાઓથી સજ્જ છે અને તેમાં બુક્સ, પબ્લિકેશન, રેકોર્ડ્સ તમામ વસ્તુઓ ડિજિટલ લાયબ્રેરીના માધ્યમથી ઉપલબ્ધ રહેશે. તેમાં વપરાશકર્તાઓની વિનંતી પર ડેટાબેઝમાંથી તેમના ચોક્ક્સ ઉ૫યોગ માટે કસ્ટમાઇઝડ કોષ્ટકો પણ બનાવવામાં આવે છે.આ ડેટાનો ઉંડાણ પૂર્વકનો અભ્યાસ વસ્તીગણતરી દરમિયાન માહિતી સંગ્રહની પદ્ધતિમાં સુધારો કરવા તેમજ માઇક્રો-ડેટાની શક્તિઓ અને નબળાઈઓને ઓળખવામાં પણ યોગદાન આપી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500