Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રૂપિયા ૨૮ લાખનાં ખર્ચે જનભાગીદારીથી નિર્મિત ઉત્રાણ પોલીસ સ્ટેશનનાં નવા મકાનનું લોકાર્પણ કરતા વન, પર્યાવરણ રાજ્યમંત્રી

  • August 22, 2023 

સુરત શહેરનાં નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અમરોલી પોલીસ સ્ટેશનથી વિભાજીત કરી ઉત્રાણ ગામ ખાતે જનભાગીદારીથી રૂ.૨૮ લાખના ખર્ચે નિર્માણ પામેલા ઉત્રાણ પોલીસ સ્ટેશનના નવા મકાનનું વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. ઉત્રાણ પોલીસ સ્ટેશનથી મોટા વરાછા, ભરથાણા અને ઉત્રાણ વિસ્તારના ૩.૫૦ લાખથી વધુ લોકોને ફાયદો થશે. આ પ્રસંગે સુરત પોલીસને અભિનંદન પાઠવતા વન, પર્યાવરણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં શાંતિ, સુરક્ષા, સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા અને ગુજરાત પોલીસની ઉમદા કામગીરી છે. સુરતએ એશિયાનું સૌથી ઝડપથી વિકાસ કરતુ શહેર બન્યું છે. શહેરની વધતી જતી વસ્તીને ધ્યાને લઈને અમરોલી પોલીસ સ્ટેશનથી વિભાજીત કરી જનભાગીદારીથી નવનિર્મિત ઉત્રાણ પોલીસ સ્ટેશન નાગરિકોની સુખાકારી તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અતિ સહાયરૂપ બનશે. આ વિસ્તારના સાડા ત્રણ લાખથી વધુની વસ્તીને ફાયદો થશે. અમરોલી પોલીસ સ્ટેશનનું ભારણ ઘટવાની સાથે આ વિસ્તારમાં શાંતિ અને સલામતી વધુ સુદ્રઢ બનશે.



વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વિવિધ પ્રકારના સાહસિક ઓપરેશન્સથી દેશના જુદા જુદા રાજ્યોમાં છુપાયેલા ગુનેગારોને પકડવામાં સુરત શહેર પોલીસ દેશમાં અવ્વલ રહી છે. અનેક સંઘર્ષોનો સામનો કરીને કાયદો-વ્યવસ્થા જાળવવામાં ગુજરાત રાજ્ય નંબર વન બન્યું છે. પોલીસની વૃત્તિ સામાન્ય જનતાને હેરાન કરવાની ક્યારેય નથી હોતી. વાર-તહેવાર હોય તો પણ પરિવારજનો અને પોતાની ખુશીઓના ભોગે પણ ફરજ પર મક્કમ રહેતા પોલીસકર્મીઓ પ્રજાના સાચા રક્ષક છે. વ્યાજના ખપ્પરમાં હોમાતા અનેક પરિવારોને સુરત પોલીસે ઉગાર્યા છે. જનતાને ધંધા-વ્યવસાય કે આર્થિક તંગીમાં નાણાની જરૂર પડતી હોય તો ઊંચું વ્યાજ લેતા ગેરકાયદે વ્યાજખોરો પાસે જવાની જરૂર નથી. લોન આપવામાં પણ અગ્રેસર રહીને શહેર પોલીસે રૂ.૬૬ કરોડની માતબર રકમની લોન શહેર પોલીસની મદદથી આપવામાં આવી છે. આવનારા સમયમાં ઉત્રાણ પોલીસ સ્ટેશન હજુ વધુ સુવિધાજનક બને એ માટે નવી જગ્યા ફાળવી અત્યાધુનિક પોલીસ સ્ટેશન ભવન નિર્માણ કરવાનું પણ આયોજન હોવાનું તેમણે ઉમેર્યું હતું.



શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું કે, સામાન્ય રીતે પોલીસ સ્ટેશન પ્રત્યે લોકોમાં અણગમાની છાપ જોવા મળતી હોય છે. પોલીસકર્મીઓ પ્રત્યેની માન્યતાને બદલવા માટે સુરત પોલીસ દિવસ-રાત મહેનત કરી પ્રજાની પડખે ઊભી રહે છે. શહેરના બાળકો, મહિલાઓ, સિનિયર સિટીઝન્સ અને આમ નાગરિકોનો કોઈ પ્રથમ મિત્ર હોય તો તે પોલીસ જ છે. રાજ્યના કાનૂની ઢાંચાને નક્કર સમર્થનથી ગુજરાતને શાંત, સલામત, સુરક્ષિત અને વિકસીત રાજ્યની ઓળખ અપાવી છે. સમગ્ર ગુજરાતમાં કોર્પોરેશન અંતર્ગત સૌથી મોટો વોર્ડ વિસ્તાર હોય તો એ ઉત્રાણ છે. ઉત્રાણમાં દરરોજના નવા ૬૦૦થી ૭૦૦ વ્યક્તિઓ રહેવા માટે આવે છે. મહત્તમ ગુનાઓ ડિટેક્શન કરવામાં સુરત પોલીસ સફળતા મેળવી રહી છે અને નાગરિકોની પોતીકી પોલીસ હોવાની છબિ ઉભી થઈ છે.



સુરતમાં અલગ અલગ પોલીસ મથકમાં ગુનાઓને પોલીસ દ્વારા વહેલી તકે ડિટેકટ કરી, કોર્ટમાંથી હુકમ મેળવીને મૂળ માલિકોને તેમની ચીજવસ્તુઓ, મુદ્દામાલ આપવા માટે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજી પરત કરવામાં છે એમ જણાવી તોમરે ઉમેર્યું કે, સાયબર ફ્રોડ અંગે લોકોમાં જાગૃતિ લાવવા પોલીસનું સાયબર સંજીવની અભિયાન ૨.૦ શરૂ કરવામાં આવ્યું છે. આ સાયબર સંજીવની અભિયાન અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં નુક્કડ, નાટક ભજવી સાયબર ક્રાઈમ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, ઉત્રાણ વિસ્તારમાં મંદિર, મસ્જીદ, સ્કુલો, શાકભાજી માર્કેટ, જવેલર્સ, ફાર્મહાઉસ, શોપિંગ કોમ્પલેક્સ, સહિત ઉત્રાણ ચોકી, મોટા વરાછા ચોકી, ભરથાણા ચોકીને આવરી લઈ આશરે કુલ વસ્તી ૩.૫૦ લાખની વસ્તી માટે ઉત્રાણ પોલીસ સ્ટેશનનું નવું ભવન નિમિત્ત બનશે. આ પ્રસંગે ડે. મેયર દિનેશભાઈ જોધાણી, સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) એચ. આર. ચૌધરી, અધિક પોલીસ કમિશનર (સેક્ટર-૨) કે.એન.ડામોર, નાયબ પોલીસ કમિશ્નર (ઝોન-૫) રાકેશ બારોટ, નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક) અમિતા વાનાણી, કોર્પોરેટરો, પોલીસ અધિકારીઓ, સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application