Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એકતાનગર ટેન્ટ સિટી-૧ ખાતે બે દિવસીય ‘ભારતીય ભાષા સંગમ’ શિબિરનો દિપ પ્રાગટ્ય કરી ભાષા પ્રદર્શનને રિબિન કાપી પ્રારંભ કરાવતા ગુજરાતનાં સાંસ્કૃતિક પ્રવૃ્તિઓ વિભાગનાં મંત્રી

  • August 19, 2023 

નર્મદા જિલ્લાનાં એકતાનગર સ્થિત ટેન્ટસિટી-૧ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ-નવી દિલ્હી અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી બે દિવસીય ભારતીય ભાષા સંગમ શિબિરને ગુજરાતના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં શિબિરને ખુલ્લી મૂકાઈ હતી. અને ભારતીય ભાષા અંગેના ફોટો પ્રદર્શન, પુસ્તક પ્રદર્શનને રીબિન કાપી ખુલ્લું મુક્યું હતું. શિબિરના ઉદઘાટન પ્રસંદે મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેદ્રભાઈ મોદીના વિઝનથી એક ભારત, શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે આ ભારતીય ભાષા સંગમનો મંચ શ્રેષ્ઠ મંચ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને વિવિધતામાં એકતા ધરાવતા ભારત દેશની ભાષાઓ અનેક છે. પરંતુ રાષ્ટ્રીય એકતા પરિવાર એક જ છે, જે ભારતીય સંસ્કૃતિની તાકાત અને ઓળખ છે. ભાષા એ આપણી સંસ્કૃતિ છે. ભાષાથી ભારતીય સાંસ્કૃતિક અને પરિવેશને આપણે વિવિધ સ્વરૂપે જોઈ શકીએ છીએ. આપણા દેશમાં પ્રદેશ પ્રમાણે ભાષા-બોલીનું અનેરૂં મહત્વ રહેલું છે અને તેથી જ આ ભાષા વૈવિધ્યને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ પણ ભાષાને કેન્દ્રિત છે જે આપણા સૌના માટે ગૌરવની બાબત છે.



ગુજરાત સરકારે ફરજીયાત માતૃભાષા શાળામાં ભણાવવાના વિધેયકને મંજૂરી આપી દીધી છે જે રાજ્યમાં લાગુ કરવામાં આવી છે. ગુજરાતમાં પણ નવી શિક્ષણ નીતિની અમલવારી માટે રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાને ફરજિયાત વિષય બનાવવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારે સરાહનીય કાર્ય કર્યુ છે. મેડીકલ અને ઈજનેરી સહિત ટેકનિકલ ક્ષેત્રમાં પણ વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં અભ્યાસ કરી શકે તે માટેના પ્રયાસો અત્યંત સરાહનીય છે. ગુજરાતી સહિત અન્ય ભારતીય ભાષાઓને પુન:સ્થાપિત કરી દરેક ક્ષેત્રમાં સકારાત્મક શરૂઆત કરવા માટે સૌને પોતાની માતૃભાષાને પ્રાધાન્ય આપવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. વધુમાં મંત્રીશ્રીએ ભાષાપ્રેમીઓ-વિદ્વાનોને વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમામ પ્રકલ્પો નિહાળવા તેમજ આ સ્થળોએ સ્થાનિક આદિવાસી મહિલાઓ, યુવક યુવતીઓ માટે ઉભી કરવામાં આવેલી રોજગારીની તકોને પ્રત્યક્ષ નિહાળવા પણ સૌને આગ્રહ કર્યો હતો. શિક્ષા-સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ નવીદિલ્હીના રાષ્ટ્રીય સચિવશ્રી ડો. અતુલ કોઠારીએ પોતાના મનનીય વિચારો પ્રકટ કરતા જણાવ્યું કે, ભારતીય ભાષા સંગમ થકી ભારત દેશના વિવિધ રાજ્યોના સાહિત્ય-ભાષા પ્રેમીઓ, વિદ્વાનોને એકતાનગર ખાતે એક મંચ ઉપર લાવવામાં અકાદમીને ખુબ મોટી સફળતા મળી છે. વડાપ્રધાનશ્રીના પ્રતિનિધિત્વમાં સમગ્ર વિશ્વનું પણ ભારતીય ભાષાઓ તરફ ધ્યાન ગયું છે અને આકર્ષણ વધ્યું છે. વધુમાં અંગ્રેજી ભાષાને વૈકલ્પિક ભાષા તરીકે જોઈ શકાય પરંતુ ભારતીય ભાષાઓને પ્રાધાન્ય આપીને વ્યાપક જનજાગૃતિની જરૂરિયાત છે.



શિક્ષણમાં, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા વહીવટના માળખામાં માતૃભાષાનો સમાવેશ કરી પરિણામલક્ષી બદલાવ લાવવા માટે આવી સામુહિક ચિંતનને વેગવાન બનાવીશું જેથી આમ જનતાને ફાયદો થશે તેમ પણ જણાવ્યું હતું. ઉદઘાટન સત્રમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જ્હાએ સંસ્કૃત ભાષામાં શિબિરની રૂપરેખા આપી સાહિત્યની તાકાત અને લાલીત્યનો પરિચય કરાવ્યો હતો. ભારતીય ભાષાઓનું મહત્વ, સંસ્કૃત ભાષાનું બધી ભાષામાં સ્થાન, પ્રેમની ભાષા અને ભાષા પ્રત્યેના પ્રેમને કેન્દ્રમાં રાખીને કાવ્યાત્મક શૈલીમાં મનનીય પ્રવચન આપી સાહિત્યનો સુપેરે પરિચય કરાવ્યો હતો. આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી માન.ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી સુધીના આ શિબિરમાં પધારેલા મહાનુભાવોને રોતાનો રેકોર્ડિંગ વીડિયો સંદેશથી સંબોધન કરીને પાઠવાયેલા વીડિયો સંદેશને આ અવસરે સૌએ નિહાળી સાંભળ્યો હતો. સૌરાષ્ટ્ર તમિલ સંગમને કેન્દ્રિત મલયાલમ ભાષામાં લખાયેલા મૂળ પુસ્તકનું “તિરુક્કુરલ”ના ગુજરાતી અનુવાદ પુસ્તકનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. બાદમાં ભારતીય ભાષાઓનું મહત્વ દર્શાવતી ટૂંકી ફિલ્મ દર્શાવાઈ હતી. સાથોસથ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૨૨ ભારતીય ભાષાઓમાં મંત્રીશ્રીનું નામ લખેલી તેમની જ તસ્વીર સ્મૃતિભેટ રૂપે આપી હતી.



ભારતની વિવિધ બોલી-ભાષા, પહેરવેશ, સંસ્કૃતિ સહિત વૈવિધ્યસભર વારસાને પ્રતિબિંબિત કરતું ભારતીય ભાષા સંગમ કાર્યક્રમનું થીમ સોન્ગ પણ આ અવસરે રજૂ કરાયું હતુ. વિવિધતામાં એકતાના દર્શન કરાવતી પ્રાદેશિક અને માતૃભાષા જ્ઞાન વિજ્ઞાનને જોડવાનું કામ કરે છે. ભાષાના માધ્યમ થકી વહીવટમાં સરળતા અને લોકોને સમજણમાં ઉપયોગી બને છે. તે માટે ભારતના વિવિધ રાજ્યોની ભાષાનું એક પ્રદર્શન પણ આ કાર્યક્રમ સ્થળે રાખવામાં આવ્યું છે. જેને પણ મંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જ્યાં વિવિધ સાહિત્યકારોનો પરિચય દર્શાવાયો છે. સાથોસાથ શિબિરના સ્થળે બુક સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે. ભારતીય ભાષા સંગમ શિબિરમાં બે દિવસ દરમિયાન વિવિધ વિષયોને કેન્દ્રમાં રાખીને ભાષા નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં વિવિધ વિષયો પર ગહન ચિંતન-ચર્ચાઓ વર્તમાન સમયની સ્થિતિ અને ચુનૌતી ભૂમિકા અંગે સત્ર દરમિયાન ભાષા અંગે આદાન પ્રદાન કરવામાં આવશે.



એકતાનગર ખાતેના આ સેમિનારથી ભાષાને પ્રેરક બળ મળશે અને વિચાર- વિમર્શ- મંથન થકી ભાષાને આભ્યાસક્રમમાં મૂર્તિમંત થવાનો અવકાશ મોકળો બનશે. વિવિધ રાજ્યોમાંથી આવેલા મહાનુભાવો આ બે દિવસીય સેમિનારમાં ભાગ લઈ રહ્યા છે. સત્ર દરમિયાન પોતાના વિચારો વ્યક્ત કરશે. જેમાં ૨૨ મહત્વની ભાષાના નિષ્ણાંતો, અભ્યાસુઓ જોડાયા છે. પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત સાહિત્યકારો અને પ્રખર વિદ્વાનો આ સેમિનારમાં ભાગ લઈને ભાષા પ્રત્યેના પ્રેમને ઉજાગર કરવા પોતાના મંતવ્યો રજૂ કરશે. અંગ્રેજીની અવેજી ભાષા તરીકે ઉપયોગ હોઈ શકે. જ્ઞાન મેળવવામાં ખુલ્લો અવકાશ રહેશે અને માતૃભાષા વહીવટમાં પત્રાચારમાં આમ જનતાને ઉપયોગી સાબિત થશે. આ શિબિરના ઉદઘાટન સત્રમાં ગુજરાત સાહિત્ય અકાદમીના મહાસચિવશ્રી ડો. જયેન્દ્રસિંહ જાદવે ઉપસ્થિત મહાનુભાવોનો વિસ્તૃતમાં પરિચય આપી બે દિવસ દરમિયાન થનારી ચર્ચાઓના વિષયો પર પ્રકાશ પાડ્યો હતો.




આ શિબિરના પ્રથમ દિવસે ભારતીય ભાષાઓની એકાત્મતા અને એક ભારત શ્રેષ્ઠ ભારતમાં ભાષાઓની ભૂમિકા, ભારતીય ભાષાઓની એકાત્મતાના આધારસ્રોત, શિક્ષણ સંશોધન અને ભારતીય ભાષાઓ, શાસન-પ્રશાસન અને ભારતીય ભાષાઓ, સ્પર્ધાત્મક પરીક્ષા-રોજગારમાં ભારતીય ભાષાઓ, વેપાર-વ્યવસાય અને નાણાકીય ક્ષેત્રમાં ભારતીય ભાષાઓ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી-આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ભારતીય ભાષાઓ, કાયદો અને ન્યાય ક્ષેત્રમાં ભારતીય ભાષાઓ બાબતોને કેન્દ્રમાં રાખીને ચર્ચાઓ કરવામાં આવશે. તેના બીજા સત્રમાં ભારતીય ભાષાઓની વર્તમાન સ્થિતિ અને પડકારો તેમજ ભાષા સંસ્થાનો અને અકાદમીઓની ભૂમિકા અંગે પણ વિચારો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. બીજા દિવસે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં ભાષા સંબંધી જોગવાઈઓ અને તેની અમલવારીના સંદર્ભમાં ચર્ચાઓ થશે અને ભાષા અંગે સમૂહ ચિંતન મનન કરી ભાષાને જીવંત રાખવાનો નમ્ર પ્રયાસ અને પરિણામલક્ષી રોડમેપ તૈયાર કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application