રાજ્ય સરકાર દ્વારા ડાંગ જિલ્લામાં પાછલા બે વર્ષો દરમિયાન જિલ્લામાં હાથ ધરાયેલા વિવિધ વિકાસ કામો, જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને પુરા પડાયેલા લાભો, તથા જિલ્લામાં યોજાયેલા મહત્વના કાર્યક્રમોને પ્રસ્તુત કરતી પુસ્તિકા 'વિકાસ વાટિકા'નું જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે વિમોચન કરાયું હતું. આ વેળા પુસ્તિકા તૈયાર કરનાર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા માહિતી કચેરી સહિતના સહયોગીઓને શુભેચ્છા પાઠવતા આદિજાતિ, ગ્રામ વિકાસ અને શ્રમ રોજગાર મંત્રીશ્રીએ, આ પુસ્તિકા ડાંગના વિકાસને જાણવા માંગતા લોકો માટે સંદર્ભ બની રહેશે, તેમ જણાવ્યું હતું.
વધઇ તાલુકા સેવા સદન ખાતે આયોજિત જિલ્લા આયોજન મંડળની બેઠકમાં કરાયેલા આ પુસ્તક વિમોચન પ્રસંગે, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક, જિલ્લા પંચાયતના પ્રમુખ-વ-આયોજન મંડળના ઉપાધ્યક્ષ, તાલુકા પંચાયતના પ્રમુખઓ સહિતના પદાધિકારીઓ, સમિતિ સભ્યો, આમંત્રિતો, પુસ્તિકાના પ્રકાશક એવા જિલ્લા કલેકટર, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી-વ-પ્રાયોજના વહીવટીદાર, મદદનીશ વન સંરક્ષકો સર્વ અને સંપાદકીય ટિમ, અને જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના વિકાસની ગાથા રજૂ કરતી આ 'વિકાસ વાટિકા' પુસ્તિકાના પ્રકાશક ડાંગ કલેકટર છે. જ્યારે આ પુસ્તિકાનું સંપાદન કાર્ય ડાંગ જિલ્લા માહિતી કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. આ પુસ્તિકા માટેની નાણાંકીય જોગવાઈ જિલ્લા આયોજન કચેરી દ્વારા કરવામાં આવી છે. ડિઝાઇન માહિતી ખાતાની પેનલ પરની એજન્સી દ્વારા, અને પ્રિન્ટિંગ ગવર્નમેન્ટ પ્રેસ, ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું છે. ૮૦ પાનાની આકર્ષક ડિઝાઇન, લે આઉટ, અને આર્ટવર્ક સાથે તૈયાર કરાયેલી આ 'વિકાસ વાટિકા' પુસ્તિકા ડાંગના વિકાસની ઝલક પુરી પાડશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500