મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ સંવેદનશીલ રાજ્ય સરકાર હંમેશા રાજ્યના પીડિત, શોષિત, અને જરૂરિયાતમંદ પ્રજાજનોના પડખે ઉભી છે, તેમ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી રમણલાલ પાટકરે આહવા ખાતે જણાવ્યુ હતુ. રાજ્યની મહિલાઓની વિવિધ સમસ્યાઓના સમાધાનનુ સરનામુ એટલે 'સખી : વન સ્ટોપ સેન્ટર' એમ જણાવતા મંત્રી પાટકરે મહિલા સશક્તિકરણના ભાગરૂપે મહિલાઓને સહાયરૂપ થવા માટે આ સેન્ટરની સુવિધાઓ ખૂબ જ ઉપયોગી પુરવાર થઇ રહી છે તેમ જણાવ્યુ હતુ. આહવા ખાતે 'સખી : વન સ્ટોપ સેન્ટર'ના નવનિર્મિત ભવનને પ્રજાર્પણ કરતા મંત્રીએ આ સેન્ટરની સેવા, સુવિધા અને ફળશ્રુતિનો તાગ મેળવ્યો હતો. અહીં સેવારત કર્મયોગીઓને ખૂબ જ સંવેદનશીલતા સાથે માનવીય અભિગમ રાખી સેન્ટરની સેવાઓનો વ્યાપ વધારવાનુ પણ તેમણે આ વેળા આહવાન કર્યું હતુ.
ઉલ્લેખનિય છે કે, ભારત સરકાર પુરસ્કૃત અને રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમા શરૂ કરાયેલા 'સખી : વન સ્ટોપ સેન્ટર' દ્વારા મહિલાઓને અનેકવિધ સેવાઓ પુરી પાડવામા આવી રહી છે.
જાહેર કે ખાનગી સ્થળો ઉપરાંત કાર્યસ્થળો કે ઘર કુટુંબોમા શારીરિક, માનસિક હિંસાનો ભોગ બનેલી મહિલાઓ, કોઈ પણ જાતના જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય, કે વૈવાહિક દરજ્જો, શિક્ષણ, કે ઉંમરના ભેદભાવ વિના આ સેન્ટરની સેવાઓ લઈ શકે છે.
અહીં તજજ્ઞ કાઉન્સેલરો દ્વારા પીડિત મહિલાઓને સામાજિક પરામર્શ સાધી તબીબી, પોલીસ, કે કાયદાકીય સહાય પુરી પાડવામા આવે છે. જરૂર પડ્યે પીડિતાઓને આશ્રયની સુવિધાઓ પણ આપવામા આવે છે. અહીંયા શારીરિક હિંસા, જાતીય હિંસા, ઘરેલુ હિંસા, માનસિક હિંસા, ભાવનાત્મક હિંસા, મહિલાઓનો અનૈતિક વેપાર, એસિડ એટેક જેવા કેસોનો ભોગ બનેલી મહિલાઓને 'સખી' નો સાથ મળી શકે છે.
ઉપરાંત ઇમરજન્સી રેસ્ક્યુ સર્વિસ, માનસિક-સામાજિક સમર્થન અને પરામર્શ, ટ્રાન્સપોર્ટની સુવિધા, જરૂર પડ્યે દુભાષીયાની સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામા આવે છે.
ડાંગ જિલ્લામા 'સખી'ની સેવાઓ શરૂ થવાને લગભગ બે વર્ષનો સમય થઇ રહ્યો છે. ત્યારે આજદિન સુધી આ સેન્ટર દ્વારા ૪૫ પીડિતાઓને આશ્રય આપવા સાથે ૧૮ જરૂરિયાતમંદ મહિલાઓને તબીબી સારવાર, અને ૯ મહિલાઓને પોલીસ કાર્યવાહીમા સહાય પુરી પાડવામા આવી છે.
'સખી'ની સેવાઓ માટે ૧૮૧-અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા આ સમયગાળામા ૧૮ કેસો રીફર કરાયા હતા. તો પોલીસ દ્વારા બે, અને ૧૦૯૮-ચાઈલ્ડ હેલ્પલાઇન દ્વારા એક કેસ મોકલવામા આવ્યો હતો. જ્યારે ૧૨૦ જેટલા કેસો 'સખી' એ સ્વયં શોધીને તેનુ નિરાકરણ કર્યું છે.
ડાંગ જિલ્લાની જરૂરિયાતમંદ મહિલાઓની સમસ્યાના સમાધાનના સરનામારૂપ 'સખી : વન સ્ટોપ સેન્ટર'' નવનિર્મિત ભવનમા રાજ્ય સરકાર દ્વારા કાઉન્સેલિંગ રૂમ, એડમીન રૂમ, આઈ.ટી. રૂમ, મેડિકલ કન્સલટિંગ રૂમ, કિચન અને સ્ટોર, ટોયલેટ બ્લોક, લોકર રૂમ, વોટર સ્ટોરેજ, ફાયર સેફટી જેવી ભૌતિક સુવિધાઓ સાથે સીસીટીવી કેમેરા, ફ્રીજ, આર.ઓ.પ્લાન્ટ, ફર્સ્ટ એઇડ, નોટિસ બોર્ડ, અને સજેશન બોક્સ સહિતની આનુશાંગિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામા આવી છે. આ 'સખી ભવન' નુ નિર્માણ ડાંગના માર્ગ મકાન વિભાગદ્વારા અંદાજીત રૂ.૪૮.૬૯ ના ખર્ચે કરાયુ છે.
મંત્રી દ્વારા ડાંગ જિલ્લાના પ્રજાજનો માટે અર્પણ કરાયેલા 'સખી' ભવનના આ કાર્યક્રમ વેળા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સુનિલ સોરઠીયા સહિત કેન્દ્ર સંચાલક સંગીતા ખુરકુટિયાએ મહાનુભાવોને પૂરક વિગતો રજૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500