મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની મહત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ નવસારી જિલ્લામાં નવસારી તાલુકાના ૧૧ ગામોમાં ખડસુપા ખાતેથી સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારે કરાવ્યો હતો.
આ અવસરે મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યુ કે, ખેડૂતો દ્વારા ઘણા સમયથી દિવસે વિજળી આપવાની રજુઆતોને રાજ્ય સરકારે ખેડૂતોની માંગને સંતોષવા ખેડૂતોને દિવસે વિજળી પુરી પાડવા ગુજરાત સરકાર દ્વારા નવીન અભિગમ અપનાવી કિસાન સૂર્યોદય યોજનાનો અમલમાં મુકી છે. આ યોજના થકી ખેડૂતોને દિવસે ખેતીવાડી માટે સિંચાઇ માટે વીજ પુરવઠો મળી રહેવાથી રાતના ઉજાગરા, વન્યજીવ-જંતુના ભય અને શિયાળામાં ઠંડી, ચોમાસામાં પડતી મુશ્કેલીઓમાં કિસાનો મુક્તિ મેળવી શકશે રાજ્ય સરકાર કિસાનોને દરરોજ સતત આઠ કલાક સવારે પ-૦૦ કલાકથી ૧-૦૦ અને ૧-૦૦ થી ૯- કલાક સુધી સતત ગુણવત્તાયુક્ત વિજળી મળશે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, કિસાન સૂર્યોદય યોજનાનો પ્રથમ તબકકાનો પ્રારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઇ-શુભારંભ કરાવ્યો હતો. રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇની સંવેદનશીલ સરકારે પોતાની રાજકીય ઇચ્છા શક્તિથી ખેડૂતો માટે મહત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજનાને અમલમા મુકી છે બીજા તબકકામાં રાજયના ૪૦૦૦ ગામોને કિસાન સૂર્યોદય યોજનામાં સમાવી લેવામાં આવ્યા છે. વર્ષ-૨૦૨૨ સુધીના અંત સુધીમાં રાજયના તમામ ગામોને આ યોજનાથી દિવસે વીજળી આપવાની મુખ્યમંત્રીશ્રી પ્રતિબધ્ધ છે.
મંત્રીશ્રી એ વધુમાં કહ્યું હતું કે, આ યોજના હવે ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી મળતાં કિસાન પરિવારોમાં સમૃધ્ધિનો સુર્યોદય થશે. રાજય સહિત જિલ્લાના ખેડૂતોની સુખાકારી માટે દિવસે કામ અને રાત્રે વિશ્રામની ભાવનાથી કિસાનોનો સૂર્યોદય અને સર્વોદય થશે. જેમાં જિલ્લાના નવસારી તાલુકાના ૧૧ ગામો પૈકી પરથાણ, વેજલપોર, કસ્બાપર, કાદીપોર, પડઘા, દાંતેજ, આસુંદર, ધામણ, સરઇ, મોગાર અને પરતાપોરનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી પિયુષભાઇ દેસાઇએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી થાય તે માટે કિસાનો માટેની અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી છે. રાજ્ય સરકાર દ્વારા કિસાન સૂયોદય યોજનાથી રાજ્યના ખુબ મોટો લાભ ખેડૂતોને મળશે કિસાનોને દિવસે વિજળી દ્વારા પુરતી સિંચાઇ કરી શકશે રાત્રીના સમયે થતી મુશ્કેલીમાં છૂટકારો પણ મેળવી શકશે.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ, અગ્રણીઓ શ્રીમતિ શીતલબેન સોની, શ્રી અશોકભાઇ ગજેરા, શ્રી અશ્વિનભાઇ પટેલ, શ્રી જિજ્ઞેશભાઇ નાયક, પ્રાંત અધિકારી શ્રી તુષાર જાની, ડી.જી.વી.સી.એલના અધિકારીઓ સહિતના અધિકારીશ્રીઓ/પદાધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500