Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોનાને કારણે બે વર્ષ સુધી બંધ રહેલ પંઢરપુર પાલખી યાત્રાઓનો ફરી પ્રારંભ થતાં લાખો ભાવિકો ઉમટયા

  • June 21, 2022 

કોરોનાને કારણે બે વર્ષ સુધી બંધ રહેલી પંઢરપુર સુધીની પાલખી યાત્રાઓનો ફરી પ્રારંભ થતાં લાખો ભાવિકો તેમાં ઉમટયા છે. પુણે તથા આસપાસના માર્ગો પરથી પસાર થનારી પાલખી યાત્રાઓને લીધે પોલીસ તથા વહીવટીતંત્રએ વ્યાપક વ્યવસ્થાઓ ગોઠવી છે અનેક માર્ગો બંધ કરવામાં આવ્ય છે અથવા તો ડાયવર્ઝન અપાયાં છે. યાત્રા માર્ગ પર હજારો પોલીસ જવાનોના બંદોબસ્ત અને ડ્રોન સર્વેલન્સ સહિતના પગલાં લેવાયાં છે. આ ઉપરાંત યાત્રા માર્ગો પર પ્રવાસીઓની સુવિધા માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે.



મહારાષ્ટ્રની સાંસ્કૃતિક ઓળખ ગણાતી પંઢરપુર વારી વારકરી સંપ્રદાય માટે મુખ્ય વાર્ષિક પ્રસંગ અને ઉજવણી છે. સંત તુકારામ અને સંત જ્ઞાનેશ્વર મહારાજની પાદુકા અથવા પ્રતિકાત્મક પાદુકા લઈ જતી પાલખી તેની ત્રણ અઠવાડિયા લાંબી યાત્રા ના દેહુ અને આણંદીથી અનુક્રમે 20 જૂન અને 21 જૂને પ્રારંભ બાદ 21 જુલાઈએ તે પંઢરપુર પહોંચશે.



જયારે બંને સરઘસ બુધવારે બપોરે પુણે શહેરમાં પહોંચશે. બંને પાલખીઓ ગુરુવારે પુણેમાં આરામ કરશે. સંત તુકારામ મહારાજ પાલખી નિવદુંગા વિઠ્ઠલ મંદિરમાં અને જ્ઞાનેશ્વર મહારાજની પાલખી વિઠોબા મંદિરમાં આરામ કરશે. શુક્રવારે સવારે બંને સરઘસ પુણેથી પંઢરપુરની યાત્રા શરૃ કરશે. આ સરઘસોમાં મહારાષ્ટ્ર ભરમાંથી તેમજ અન્ય પ્રાંતમાંથી પણ મોટી સંખ્યામાં વારકરીઓ અને ભક્તો સામેલ થાય છે.



જેઓ આ 21 દિવસની સંપૂર્ણ અથવા આંશિક યાત્રા પગપાળા પૂરી કરે છે. હાલ આણંદી અને દેહુમાં મોટી સંખ્યામાં વારકરીઓ આવી પહોંચ્યા છે. આ વખતે 3 થી 5 લાખની સંખ્યામાં વારકરીઓ દેહુથી પંઢરપુર જશે. પંઢરપુર વારી મહામારીને કારણે બે વર્ષ બાદ પહેલી જ વાર કોઈપણ પ્રતિબંધ વિના યોજાતી હોવાથી પુણે જિલ્લા પ્રશાસન અને પોલીસ વિભાગ પણ મોટી સંખ્યામાં વારકરીઓ યાત્રામાં ભાગ લેશે એવું અનુમાન રાખી રહ્યા છે.



પાલખી પ્રારંભ થવાના બે સ્થળો દેહુ અને આણંદી પિંપરી ચિંચવડ પોલીસનાં કાર્યક્ષેત્રમાં આવે છે. પિંપરી ચિંચવડના પોલીસ કમિશનર અંકુશ શિંદેએ જણાવ્યું કે, સામાન્ય ટ્રાફિક માટે અમુક માર્ગો બંધ કર્યા હોવાથી વૈકલ્પિક માર્ગો દ્વારા ટ્રાફિક વાળવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સરઘસો તેમના સંબંધિત માર્ગો પર પસાર થાય તેનું નિરીક્ષણ કરવા માટે અમે ડ્રોન કેમેરા પણ તૈનાત કરીશું.



જોકે મંગળવારે દેહુ ફાટાથી ભક્તિ શક્તિ ચોક સુધી ભારે વાહનોની અવરજવર સવાર 6 કલાકથી દેહુ ફાટા થઈને કાત્રાજ બાયપાસ સુધી વાળવામાં આવશે. ભક્તિ શક્તિથી દેહુ ફાટા સુધીનો ટ્રાફિક ખંડોબા માલ થઈને વાળવામાં આવશે એવી માહિતી અધિકારીઓએ આપી.



પુણે શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર સંદીપ કર્ણિકે જણાવ્યું કે, પુણે શહેરમાં પાલખીના રોકાણના સ્થળે અને માર્ગ પર લગભગ 4 હજાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. બોમ્બ શોધક અને ડિસ્પોઝલ ટીમ પણ ચેકીંગ માટે તૈનાત કરાશે. ક્વીક રિસ્પોન્સ ટીમ પણ સ્ટેન્ડ બાય પર રહેશે. પાલખીના માર્ગ ટ્રાફિકથી મુક્ત રહે તેમજ પ્રવાસીઓ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકે તેની ખાતરી કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application