સુરત જિલ્લાના કિમના નવાપરા પાટિયા પાસે બાઇક પર આવેલા બે લોકોએ રસ્તે ચાલતા પરપ્રાંતીય રાહદારીને બર્બરતાપૂર્વક ચપ્પુના ઘા મારી હત્યા કરી નાંખવાના ગંભીર મામલે પોલીસે ગણતરીના કલાકોમાં બંને હત્યારા આરોપીઓને ઝડપી પાડયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કોસંબા પોલીસની હદમાં નવાપરા પાટિયા પાસે રવિવારે બાઇક પર આવેલા બે અજાણ્યા ઇસમોએ પરપ્રાંતીય રાહદારી અવધેશ રામરાજ (ઉ.વ.૩૦, મૂળ રહે. યુપી અને હાલ રહે.નવાપરા)ને ક્રૂરતાપૂર્વક ચપ્પુના ઘા મારી રહેંસી નાંખ્યો હતો.
સમગ્ર ઘટના નજરે જોનાર બોરસરાના કારચાલકે પોલીસને જાણ કરતા હરકતમાં આવેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ પોલીસે બાઈ કસવાર બે અજાણ્યા ઇસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. જોકે સમગ્ર મામલો ગંભીર હોય કીમ, કોસંબા, એલસીબી સહિત જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં જોડાઈ હતી. પોલીસે એક કોમ્પ્લેક્સના સીસીટીવી કેમેરાના ફુટેજ પણ લીધા હતા. પોલીસે વર્ણનવાળા હત્યારા બાઈ કચાલકનું પગેરું મેળવ્યું હતુ. જે બાદ કીમના પીઆઈ પી.એચ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસને મળેલી બાતમી અનુસાર બાઈક પર આવેલા બંને હત્યારાઓ કીમ પૂર્વ આશિયાના નગરના હોવાનું માલૂમ પડયું હતું.
હરકતમાં આવેલી ક્રીમ પોલીસે આશિયાના નગર ખાતેથી અક્ષય પરમાર અને સુજલ પવાર (મૂળ રહે. ઈન્દોર)ને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ કબૂલ્યું હતુ કે, તેઓ કીમ જીઆઈડીસીમાં પ્રાઈવેટ નોકરી કરે છે. રવિવારે તેઓ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે રાહદારી અને તેમની વચ્ચે અપશબ્દો બોલવા મુદ્દે તકરાર થતાં અક્ષય અને સુજલે રાહદારી અવધેશને ચપ્પુના ઘા મારી દીધા હતા. તપાસ દરમિયાન બંને આરોપીઓ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં પણ સંભવિત સંડોવાયા હોવાનું જાણવા મળ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500