માઇક્રોસોફ્ટે તેના સૌથી જૂના બ્રાઉઝર ઇન્ટરનેટ એક્સપ્લોરરને 27 વર્ષની સેવા બાદ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ વિશે કંપનીએ કહ્યું કે, તે તેના વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનાં પેકેજ અને સપોર્ટમાંથી ઈન્ટરનેટ એક્સપ્લોરરને હટાવી રહી છે. ઈન્ટરનેટ એક્સ્પ્લોરર પહેલીવાર 1995માં વિન્ડોઝ 95 સાથે એડ-ઓન પેકેજ તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીનાં નોટિફિકેશન અનુસાર, ઈન્ટરનેટ એક્સપ્લોરર આ મહિને 15 જૂનથી લોકો માટે ઉપલબ્ધ નહી રહે.
માઈક્રોસોફ્ટે જણાવ્યું કે, "ઈન્ટરનેટ એક્સપ્લોરરનું સ્થાન હવે કંપનીના બીજા બ્રાઉઝર ‘માઈક્રોસોફ્ટ એજ’ (Microsoft Edge) લેશે. Microsoft Edge ઈન્ટરનેટ એક્સપ્લોરર કરતાં વધુ ઝડપી, સુરક્ષિત અને વધુ આધુનિક છે. તે જૂની આવૃત્તિઓ, લેગસી વેબસાઈટ્સ અને એપ્સ વગેરે સાથે સુસંગતતા સહિત ઘણી ચિંતાઓને દૂર કરવામાં પણ સક્ષમ છે. Microsoft Edge પાસે "ઈન્ટરનેટ એક્સપ્લોરર મોડ" છે. જો યુઝર્સ ઇન્ટરનેટ એક્સપ્લોરરનો અનુભવ કરવા માંગતા હોય, તો તેઓ આ મોડને ચાલુ કરીને આમ કરી શકે છે."
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "માઈક્રોસોફ્ટ આ તમામ જવાબદારીઓ સંભાળવા માટે તૈયાર છે. જેમ કે, ઈન્ટરનેટ એક્સપ્લોરર 11નું ડેસ્કટોપ વર્ઝન હવે નિવૃત્ત થઈ જશે અને 15 જૂન, 2022થી વિન્ડોઝ 10 માટે સપોર્ટ હટાવી દેવામાં આવશે." ઈન્ટરનેટ એક્સપ્લોરરે આખી દુનિયા માટે પહેલીવાર ઈન્ટરનેટ બ્રાઉઝિંગને સરળ બનાવ્યું છે. વર્ષો સુધી ઈન્ટરનેટ એક્સપ્લોરર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું બ્રાઉઝર હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500