કેરળમાં ચોમાસાની વિધિવત શરૂઆત થયા બાદ આગળ વધીને આજે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર સુધી આવી જતા આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં અને તા.15મી જુન સુધીમાં સુરત શહેરમાં વિધિવત ચોમાસુ શરૂ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી થતા ખેડુતોમાં ખુશીની લહેર દોડી ઉઠી છે.
હવામાન વિભાગના પ્રવકતાના જણાવ્યા મુજબ, સુરતનું અધિકતમ તાપમાન 34.1 ડિગ્રી, લઘુતમ તાપમાન 28.6 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 69 ટકા, હવાનું દબાણ 1002.6 મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના 10 કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. દક્ષિણ ગુજરાતનાં કેટલાક ભાગોમાં વરસાદની આગાહી થઇ હતી.
આ આગાહી વચ્ચે સુરત શહેરનુ હવામાન વારંવાર બદલાતુ રહેતુ હતુ. કયારેક વાદળછાયા વાદળોથી આકાશ ઘેરાઇ જતુ હતુ. તો કયારેક અસહય તાપ પડતો હતો. આવા વાતાવરણ વચ્ચે ઠંડો પવન ફુંકાતા શહેરીજનોને થોડી રાહત થઇ હતી. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે કે, દક્ષિણ-પશ્રિમ ચોમાસુ મધ્ય અરબી સમુદ્રના બાકી ભાગો કોંકણના મોટાભાગના વિસ્તારો (મુંબઇ સહિત) મધ્ય મહારાષ્ટ્રથી આગળ વધી રહ્યુ છે.
આથી ગુજરાતનાં કેટલાક ભાગોમાં ચોમાસુ આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ હોવાથી આગામી 48 કલાકમાં વરસાદની વિધિવત શરૂઆત થઇ શકે તેમ છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં પણ 48 કલાકમાં અને સુરત શહેરમાં તા.15મી જુનની આજુબાજુ વિધિવત ચોમાસુ શરૂ થઇ જશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500