હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તારીખ 7 અને 8 એપ્રિલ એમ બે દિવસ દરમિયાન સુરત જિલ્લામાં વાદળછાયા વાતારણની સાથે હળવા અને સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની શક્યતાને પગલે ખેડૂતોનો પાક ન બગડે તે માટે નિયત પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદથી થતાં પાક નુકસાનીથી બચવા માટે ખેડુતોએ ખેતરનો પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું. પાકના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.
તેમજ જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુતમિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લઈ અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા ત્યાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ જાણકારી માટે સ્થાનિક વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નં. ૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500