રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એકવાર વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી હતી જેના પગલે રાતથી જ આજે વહેલી સવાર સુધીમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 151 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ નોંધાયો હતો. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાનમાં વધારો થયો હતો અને સતત બફારા અને ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા ત્યારે રાજ્યમાં ગઈકાલે સાંજથી આજે વહેલી સવાર સુધીમાં અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો.
આ પહેલા હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી હતી. જયારે ગતરોજ સાંજે અનેક તાલુકામાં ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં આવેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 151 તાલુકમાં વરસાદ નોંધાયો હતો જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 5 ઈંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ધુળ ડમરી સાથે અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી.
અમદાવાદ શહેરમાં બાપુનગર, નિકોલ, નરોડા, અમરાઈવાડી, વેજલપુર, સરખેજ, બોપલ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આ સિવાય અમદાવાદ જિલ્લાના ધોળકામાં પણ સાંજથી વહેલી સવાર સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અરવલ્લી, દાહોદ, મહિસાગર અને વલસાડમાં અને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી સહિતના વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500