16 વર્ષ પહેલાં એસ.ટી.બસ ચાલકે સર્જેલા અકસ્માતમાં કઠોર જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટ તથા સુરતની સેશન્સ કોર્ટે આરોપી બસ ચાલકને દોષી ઠેરવી કરેલી સજાના હુકમની કાયદેસરતાને પડકારતી અપીલને ગુજરાત હાઈકોર્ટ જસ્ટીસ એચ.ડી.સુથારે મંજુર કરીને નીચલી કોર્ટના વાદગ્રસ્ત હુકમને સેટ એ સાઈડ કરી બસ ચાલકને નિર્દોષ ઠરાવ્યો છે.
ઓક્ટોબર-2006માં એસ.ટી.બસના ચાલક ભરતસિંહ બમન સુરતથી દાહોદ બસ લઈને જતા હતા.જે દરમિયાન કામરેજ નજીક મોટર સાયકલ સવારને હડફેટે લઈને કચડી મારતાં બાઈક ચાલકનું મોત નિપજ્યું હતુ.જેથી મૃત્તકના ફરિયાદી ભાઈએ આરોપી એસટી બસ ચાલક વિરુધ્ધ બેફામ અને બેદરકારી ભરી રીતે ડ્રાઈવીંગ કરીને તેના ભાઈનું મોત નિપજાવી સાપરાધ મનુષ્યવધ તથા ઈપીકો-279 અને એમ.વી.એક્ટના ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી.
આ કેસમાં આરોપી સામે ચાર્જશીટ રજુ થયા બાદ કઠોર જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે માર્ચ-2008માં આરોપીને દોષી ઠેરવી છ મહીનાની કેદ તથા ક્રીમીનલ બેદરકારી બદલ એક વર્ષની કેદની સજા ફટકારી હતી.જેની કાયદેસરતાને અપીલકર્તાએ સુરત સેશન્સ કોર્ટમાં પડકારતી હતી.જેની સુનાવણી બાદ અપીલને નકારી સુરત સેશન્સ કોર્ટે નીચલી કોર્ટનો વાદગ્રસ્ત સજાનો હુકમ કાયદેસરનો ઠેરવી કાયમ રાખ્યો હતો.જેથી સુરતની સ્થાનિક અદાલતોના સજાના હુકમ સામે બસ ચાલકે કાઉન્સેલ સુરજ શુક્લા દ્વારા હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
સુનાવણી દરમિયાન અપીલકર્તા તરફે જણાવ્યું હતું કે આરોપી સામે નજરે જોનાર સાક્ષીના અભાવે પ્રથમ દર્શનીય કેસ નથી.બસ કન્ડકટર હોસ્ટાઈલ જાહેર થયા છે માત્ર ઘટના વખતે નજરે જોનાર મૃત્તકના મિત્ર રસ ધરાવતા સાક્ષી છે.અંધારી રાતે 50 ફુટ દુરથી દુર્ઘટનાને જોનારને નજરે જોનારા સાક્ષી ગણાવી શકાય નહીં.જેને હાઈકોર્ટે માન્ય રાખી ટ્રાયલ કોર્ટે બેફામ અને બેદરકારી ભરી રીતે બસ ચલાવી હોવાના તારણો ભુલ ભરેલા હોવાનું માની અપીલને મજુર કરી છે.હાઈકોર્ટે બસ ચાલકને દોષી ઠેરવતો નીચલી કોર્ટનો હુકમ સેટ એ સાઈડ કરીને નિર્દોષ ઠરાવી દંડની રકમ ભરી હોય તો પરત કરવા નિર્દેશ આપ્યો છે.
હાઈકોર્ટે જણાવ્યું હતું કે કનૈયાલાલ અરજણદાસના કેસમાં જે વ્યક્તિ વિરુધ્ધ ચાર્જશીટ થઈ હોય તેણે બેફામ અને બેદરકારીપુર્વક વાહન ચલાવ્યું હોય તે ફરિયાદપક્ષે પુરવાર કરવું પડે.હાઈકોર્ટે જણાવ્યું છે કે વધુ સ્પીડ હોવા માત્રથી બેફામ અને બેદરકારી ભર્યું ડ્રાઈવીંગ ન ગણાવી શકાય.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500