વલસાડ જિલ્લામાં અસામાજિક અને ગુનાહિત તત્વો જાહેર શાંતિ ડહોળે નહી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ લોકોમાં પણ શાંતિ, સુરક્ષા અને સલામતીનો અનુભવ થાય તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ‘‘મેન્ટર (માર્ગદર્શક) પ્રોજેકટ’’નો વલસાડ જિલ્લામાં પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.
વલસાડ જિલ્લામાં અસામાજિક તત્વો ઉપર અંકુશ લાવવા માટે મેન્ટર પ્રોજેક્ટ અસરકારક નીવડશે. ભૂતકાળમાં બે કે તેથી વધુ મિલકત સબંધી ગુના અને NDPS ગુનાઓમાં સંકળાયેલા આરોપીઓ ભવિષ્યમાં બીજા ગુના ન આચરે તે અન્વયે સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ (IPS) ની સુચના અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલા (IPS)ના માર્ગદર્શન હેઠળ વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસ ઇન્સ્પેકટરશ્રી ઉત્સવ બારોટની અધ્યક્ષતામાં વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા અને અગાઉ બે કે તેથી વધુ મિલકત સંબંધી ગુનામાં પકડાયેલા કુલ ૧૪૮ આરોપીઓ તથા NDPS ગુનામાં અગાઉ પકડાયેલ ૬૭ આરોપીઓ ઉપર સતત દેખરેખ રાખવા માટે પોલીસ કર્મચારીઓની મેન્ટર તરીકે નિમણુક કરવામાં આવી છે.
અગાઉ કરેલા ગુનાઓનું આરોપીઓ પુનરાવર્તન નહી કરે તે અનુસંધાને વાપીની ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ ખાતે વલસાડ જિલ્લા પોલીસના મેન્ટરો દ્વારા આરોપીઓને રાઉન્ડઅપ કરી તમામ પોલીસ મથકના અધિકારીઓની હાજરીમાં સઘન પુછપરછ કરવામાં આવી હતી. જેમાં મિલકત સબંધી ગુનાઓમાં સંડોવાયેલ ૭૬ તથા NDPS ગુનામાં સંડોવાયેલા ૨૯ આરોપી મળી કુલ ૧૦૫ આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા. જે તમામ આરોપીઓને ભવિષ્યમાં ક્રાઇમ નહી કરવા કડક તાકીદ કરવામાં આવી હતી. આમ, વલસાડ જિલ્લાની શાંતિ, સુરક્ષા અને સલામતી માટે ‘‘મેન્ટર પ્રોજેકટ’’ કારગત નીવડશે એવુ જણાઈ રહ્યું છે.
બોક્ષ મેટર ‘‘મેન્ટર પ્રોજેક્ટ’’ શુ છે? આ પ્રોજેક્ટનું મહત્વ સમજાવતા જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલા જણાવે છે કે, બે કે તેથી વધુ મિલકત સંબંધી ગુનામાં પકડાયેલા આરોપીઓની રોજ બરોજની પ્રવૃત્તિ ઉપર વોચ રાખવા માટે એક આરોપી દીઠ એક પોલીસ કર્મચારીને કામગીરી સોંપવામાં આવી છે. અઠવાડીયામાં ચારથી પાંચ વખત આરોપીની હાજરીની અંગે નોંધ રાખવામાં આવે છે. ગુના પર કંટ્રોલ મેળવવા અને ગુનાખોરીને વધતી અટકાવવા માટે આ પ્રોજેક્ટ ઉપયોગી નિવડશે.
આ મેન્ટર પ્રોજેક્ટનો પલ્સ પોઈન્ટ એ પણ છે કે, ભૂતકાળમાં ગુના કરવા ટેવાયેલા આરોપીઓ સુધરીને પોતાનું નવુ જીવન પણ શરૂ કરી શકે છે. જેથી ખરા અર્થમાં આ પ્રોજેક્ટ ‘‘મેન્ટર’’ તરીકે સાબિત થશે. બોક્ષ મેટર ગુના કરવા ટેવાયેલા ૧૧ આરોપીની યાદી બનાવાઈ વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સમગ્ર જિલ્લા પોલીસ સક્રિય છે. વારંવાર ગુના કરતા હોય અને ગુનામાં પકડાયેલા હોય તેવા ૧૧ આરોપીની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાંથી એક આરોપી વિરૂધ્ધ વાપીના ડુંગરા પોલીસ મથકમાં રાયોટીંગ અંગેનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં ગુનાખોરીને અંજામ આપનાર તમામ આરોપીઓના ઘરે પણ તપાસ કરવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500