રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં મેઘરાજાએ જમાવટ કરતા વિવિધ સ્થળે દોઢથી પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જોકે વીજળી પડવાથી અને નદીમાં આવેલા પુરમાં તણાઇ જવા સહિતની વિવિધ ઘટનામાં કુલ 4 વ્યક્તિના મૃત્યુ પામ્યા હતા. કચ્છના ભુજમાં દોઢ ઈંચથી વધુ, ભાવનગર તથા જેતપુરમાં સવા ઈંચ જેવો વરસાદ થયો હતો. રાજકોટ શહેરમાં સખત બફારા વચ્ચે વાદળછાયું હવામાન રહ્યું હતું. તેની વચ્ચે બે જોરદાર ઝાપટા થયા હતા. બપોરે અઢી વાગ્યા સુધીમાં રાજકોટમાં 8 મીમી વરસાદ પડયો હતો. બપોરે શહેરનું તાપમાન 30 ડિગ્રી નોંધાયુ હતું અને હવામાં ભેજ 91 ટકા રહ્યો હતો. જેતપુરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. સવારે 10થી 12ના ગાળામા્ં ધોધમાર સવા ઈંચ જેવો વરસાદ વરસતાં ચોમેર પાણી ભરાયા હતા.
ઉપરાંત કોટડાસાંગાણીમાં અડધો ઈંચ જ્યારે રાજકોટ જિલ્લાના અન્ય પંથકમાં પણ છૂટાછવાયા ઝાપટા વરસ્યા હતા. વરસાદ અને વીજળી પડવાના કારણે વધુ ચાર વ્યક્તિનો ભોગ લેવાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેશોદ ગામના વાડી વિસ્તારમાં વરસાદ સમયે વીજળી પડતાં ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સને કોલ મળ્યો હતો અને એક વ્યક્તિ પર વીજળી પડી હતી. આશરે 50 વર્ષની વ્યક્તિને તાત્કાલિક સીપીઆર તથા જરૂરી સારવાર આપી જનરલ હોસ્પિટલ ખંભાળિયા ખસેડાઈ હતી. જ્યાં તેમને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. હળવદ તાલુકાના જોગડ ગ્રામ પંચાયત હેઠળ આવતા શક્તિગઢ ગામે ત્રિભોવનભાઈ પોપટભાઈની વાડીએ પાવાગઢના અનિલભાઈ અર્જુનભાઇ નાયક (ઉ.વ.22) ઉપર સાંજે વીજળી પડતા તેમનું મૃત્યુ થયું હતુ.
જયારે ચિત્રોડી ગામે છનાભાઈ જેસિંગભાઈની વાડીએ વીજળી પડતા એક ભેંસનું મોત નીપજયું હતું. જામજોધપુર પંથકમાં બમથીયા ગામમાં ગોગનભાઈ બુધાભાઈ નામનો 25 વર્ષીય યુવાન ઘેટા-બકરા ચરાવવા માટે સીમ વિસ્તારમાં ગયો હતો. જે દરમિયાન વીજળી પડતાં આ યુવકનું મોત નીપજ્યું હતું. આ સાથે 40 ઘેટા-બકરાના પણ મોત થયા હતા. જામનગર જિલ્લાના કાલાવડના ડેરી ગામના ખેડૂત ધર્મેન્દ્રસિંહ ભુપતસિંહ જાડેજાની વાડીમાં મધ્ય પ્રદેશના અલીરાજપુરનો પરિવાર ખેત મજૂરી કરતો હતો. રીતેશ ધનસિંગભાઈ ડાવર અને તેમના પરિવારના મહિલા-બાળક સહિત પાંચ સભ્યો ભગત ખીજડીયા ગામે ગાડામાં બેસીને પરત ફરી રહ્યાં હતા. એ સમયે વરસાદના કારણે એક વોકળામાંથી 6 સભ્યો સાથે પસાર થઇ રહેલું બળદગાડું પાણીમાં તણાયું હતું. જેમાં બે બળદ અને દોઢ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું.
જ્યારે મહિલા સહિત પાંચ સભ્યોનો બચાવ થયો હતો. કચ્છ જિલ્લામાં ઝાપટાથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભુજ પંથકમાં બપોરે બેથી ચારમાં ધોધમાર દોઢ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. જેના કારણે ચોમેર પાણી પાણી થઈ ગયું હતું. એકધારા વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા હતા. નખત્રાણામાં પણ દોઢ ઈંચ જેવા એકધારા વરસાદથી ચોમેર પાણી ભરાયા હતા. રસ્તા પર પાણીના વહેણ વહેતા થયા હતા. માંડવીમાં પણ સવાર ઈંચ જેવો ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉપરાંત અબડાસા, લખપત, રાપર અને ભચાઉ તાલુકામાં મેઘમહેર થઈ હતી. સરેરાશ સામાન્યથી એકાદ ઇંચ પાણી પડી જતા ગ્રામીણ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો સંચાર થવા પામ્યો છે. નખત્રાણા નગરમાં નગરની મુખ્ય બજારમાંથી જાણે નદી વહી નીકળી હોય તેવા દ્દશ્યો સર્જાયા હતા. બપોરે ત્રણ કલાકે શરૂ થયેલો વરસાદ દોઢ કલાક સુધી અવિરત રહેતા નખત્રાણા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500