રાજ્યમાં અનેક જિલ્લામાં અવિરત મેઘ મહેર થઈ રહી છે. અગાઉ પોરબંદર, દ્વારકા અને જામનગરમાં અતિભારે વરસાદ પડતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે હવે કચ્છ જિલ્લમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ હતું. કચ્છના નખત્રાણા, અબડાસામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત નખત્રાણા-લખપત-ભુજ રાજ્ય ધોરીમાર્ગ પર વરસાદના પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસથી વરસાદ સૌરાષ્ટ્ર પર મહેરબાન થયો હતો.
પોરબંદર, દ્વારકા અને જામનગર સહિતના વિસ્તારોમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી. ત્યારે હવે કચ્છ જિલ્લાને મેઘરાજાએ તરબોળ કરી નાખ્યું છે. મધરાતથી જ ભારે વરસાદને પગલે અનેક તાલુકાઓ જળબંબાકાર થયા હતા. નખત્રાણા અને અબડાસામાં તો મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા 4 ઈંચ કરતા પણ વધારે વરસાદ વરસી ગયો હતો. જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા.
નખત્રાણા-લખપત-ભુજ રાજ્ય ધોરીમાર્ગ પર વરસાદના પાણી ફરી વળ્યા હતા. જેના પગલે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. કચ્છના માતાના મઢે દર્શન કરતા શ્રદ્ધાળુઓ પણ ધોરી માર્ગ બંધ રહેવાથી અટવાયા હતા. આ ઉપરાંત બારા ગામના નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. જ્યારે રૂકમણી નદી બે કાંઠે વહેતી થઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને સૌરાષ્ટ્રના ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, જામનગર જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત રાજ્યના 19 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જેમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, બોટાદ, રાજકોટ, આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ગાંધીનગર સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે દ્વારા કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500