દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે પડેલા વરસાદ બાદ મેઘરાજા ગાયબ થઇ ગયા હતા, ખેડૂતોએ વાવણી કરી નાખી હતી. પરંતુ એ પછી વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ અધ્ધર તાલ થઈ ગયા હતા. વાવણી નિષ્ફળ જાય તેવી ભીતિ વચ્ચે ગામેગામ મેઘરાજાને રીઝવવા માનતાઓ શરૂ થઈ ગઈ હતી. લાંબા સમય બાદ અમિ દ્રષ્ટિ કરી મંડાણ કરનાર મેઘરાજા દક્ષિણ ગુજરાત ઉપર સતત 3 દિવસથી મહેરબાન છે અને છેલ્લા 24 કલાકમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે આજે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મોટેભાગે મેઘરાજાએ વિરામ ફરમાવ્યો છે.
વધુ વિગતો મુજબ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ મેઘ મલ્હાર સર્જનાર મેઘરાજા સુરત જિલ્લામાં વિતેલા 24 કલાકમાં બારડોલીમાં એક ઇંચ, કામરેજ દોઢ ઇંચ, માંડવીમાં પોણા બે ઇંચ, ચોર્યાસી, મહુવા અને ઓલપાડમાં તેમજ સુરત સિટીમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે પલસાણા અને માંગરોળમાં અડધો ઇંચ પાણી પડયું હતું મેઘરાજા ફરી સમયસર આવી જતાં ખેડૂતોને રાહત મળી હતી.
નવસારી ફલડ કંટ્રોલ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, નવસારીમાં 1 ઇંચ, વાસદા દોઢ ઇંચ, જલાલપોર પોણો ઇંચ, ખેરગામ, ચીખલી અને ગણદેવીમાં અડધો-અડધો વરસાદી પાણી વરસ્યું હતું. દરમિયાન આજે દિવસ દરમિયાન નવસારી જિલ્લામાં મેઘરાજાએ વિરામ ફરમાવ્યો હતો અને દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્યું હતું. જિલ્લાની વાત કરીએ તો ઉમરગામ એક ઈંચથી વધુ, ધરમપુર એક ઇંચ, કપરાડા, વાપી, વલસાડ, અને પારડીમાં અડધો-અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
વલસાડ જિલ્લામાં આજે મેઘરાજા ધીમા પડ્યા હતા ડાંગ જિલ્લામાં વીતેલા 24 કલાક દરમિયાન આહવામાં અડધો ઇંચ જ્યારે વઘઈ અને સુબીરમાં એક ઇંચ સાપુતારામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે તાપી જિલ્લામાં વ્યારામાં એક ઈંચથી વધુ ડોલવાણ એક ઇંચ, જ્યારે કુકરમુંડા, નિઝર, ઉચ્છલ, વાલોડ અને સોનગઢમાં હળવાથી ભારે ઝાપટાં નોંધાયાં હતા. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમા વધારો નોંધાઈ રહ્યો છે ડેમમાં સાંજે 6 કલાકે 14,047 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમની સપાટી 325.74 અને 1 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉપરાંત આજનું રૂલ લેવલ 333 ક્યુસેક નોંધવામાં આવ્યું છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા પ્રકાશમાં ડેમ માંથી 13,553 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી ગયું છે જે પાણીનો જથ્થો ઉકાઈ ડેમમાં આવી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500