Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચમાં વસતા ભોઇ સમાજ દ્વારા ૨૫૦ વર્ષથી મેઘ મહોત્સવ ઉજવાય છે

  • July 19, 2023 

પ્રચાન પરંપરાઓને જીવંત રાખવી એ ભવ્ય ભરૂચ આગવી ઓળખ બની છે ત્યારે ભરૂચમાં વસતા ભોઈ(જાદવ) સમાજ દ્વારા ઉજવાતા પરંપરાગત તહેવાર મેઘરાજા ઉત્વસની ઉજવણીનો શ્રાવણ વદ સાતમથી પ્રારંભ થનાર છે. શ્રાવણ વદ સાતમથી દસમ સુધી ચાલનારા મેધરાજા ઉત્સવમાં ભોઇ, ખારવા તેમજ વાલ્મિકી જ્ઞાતિના લોકો દ્વારા કહેવામાં આવતી છડીયાત્રા આકર્ષણનું કેન્દ્ર બને છે.

મેઘ મહોત્સવ સાથે પ્રાચીન કાળની દંતકથા જોડાયેલી છે.

ભરૂચ શહેરમાં શ્રાવણ વદ સાતમથી  દશમ સુધી ભોઈ સમાજ દ્વારા ઉજવાતો મેઘરાજા ઉત્સવ સાથે પ્રાચિન કાળની દંતકથા વર્ણાયેલી છે.આ દંતકથા મુજબ પ્રાચિનકાળમાં યાદવવંશની ભોઈ જાતિ(જાદવ જ્ઞાતિ)ફુરજા બંદર દરિયા કિનારે માલસામાનની હેરાફેરી કરતી હતી. તેઓ નિરંતર જળદેવ સાથે સહવાસથી જળદેવની આરાધના કરતાં હતાં. જળાધિદેવ મેઘરાજાના પુજન માટે તેઓની શ્રધ્ધા અચળ હતી.



આ દંતકથામાં છપ્પનિયા દુકાળના પહેલાંના ભયંકર દુષ્કાળ સમયની છે. ફૂરજા બંદરે અંદાજ ૨૫૦ વર્ષ પહેલા મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી તેનુ વિધીવત પુજન કરાયું હતું. ભોઈ સમાજના વડવાઓએ જો જળદેવતા પૃથ્વી ઉપર મહેબાન નહી થાય તો મૂર્તિને નષ્ટ કરવાની ઘોષણા કરવા સાથે જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા સાથે સાથે અમૃતવર્ષા કરી હતી. ત્યારથી અષાઢ વદ અમાસ રાત્રે મેઘરાજાની માટીની પ્રતિમા બનાવવામા આવે છે અને તેનો ઉત્સવ મેળાના સ્વરૂપમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી લાખો માનવ મહેરામણ વચ્ચે શ્રદ્ધા અને ભક્તિરૂપે ઉજવવામાં આવે છે.આ મેળો મેઘમેળો કે મેઘરાજનો મેળો તરીકે ઓળખાય છે.તેની પૂર્ણાહુતિ દસમના દિવસે મેઘરાજાની પ્રતિમાને સાંજે  નર્મદાના પવિત્ર જળમાં વિસર્જન કરી કરવામાં આવે છે.




મેઘરાજાની પ્રતિમા દર વર્ષે નવયુવાન શિલ્પકારો દ્વારા  તૈયાર કરાતી  હોવા છતાં મુખાકૃત્તિ એક જ પ્રકારની અને એક જ ભાવ દર્શક ઉદ્ભવે છે.મેઘરાજાની માટીની પ્રતિમા શિલ્પકળાના બેનમુન સુંદર નમુના રૂપ અજોડ છે. આશરે સાડાપાંચ ફૂટ ઊંચી અને ચાર થી ત્રણ ફૂટની પહોળાઈથી માનવ આકૃત્તિમાં મૂર્તિને બે પગની પલાઠી બનાવી બંન્ને હાથ  પગના ઘુંટણ પર મૂકી ધ્યાનસ્થ સ્થિતિમાં બનાવવામાં આવે છે.મેઘરાજાની પ્રતિમાની વિશેષતા છે કે દર વર્ષે અલગ અલગ શિલ્પકારો દ્વારા મેઘરાજાની  પ્રતિમા તૈયાર કરાતી  હોવા છતાં તેની મુખાકૃત્તિમાં કોઈ બદલાવ આવતો નથી.



ભરૂચમાં અઢી સદીથી ઉજવાતા મેઘરાજાની પ્રતિમાને સુંદર આભુષણોથી સુશોભિત કરવામાં આવે છે.મૂર્તિના માથે ફેણીદાર નાગ ગોળ પાઘડી ફરતે વિંટળાયેલ હોય છે.આશ્ચર્યની વાત તો એ છે કે અસલ કારીગરો ન હોવા છતાં નવયુવાન કારીગર દ્વારા પણ પ્રતિ વર્ષ મુખાકૃત્તિ એક જ પ્રકારની અને એક જ ભાવ દર્શક ઉદ્ભવે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application